Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજસ્થાનમાં ૩૦થી વધુ સીટ ઉપર ક્ષેત્રિય પક્ષનું પ્રભુત્વ છે

ચૂંટણી પહેલા કોંગ્રેસ કોઇ જોડાણ કરશે નહીં : રાજ્યમાં બસપ, એનપીપી, સીપીઆઈ, રાષ્ટ્રીય લોકદળ સહિતના પક્ષોની ભૂમિકા અનેક બેઠકો પર રહેશે : સચિન

જયપુર,તા. ૬ : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના નાના ક્ષેત્રિય પક્ષો સાથે કોઇપણ ચૂંટણી પહેલાના જોડાણનો ઇન્કાર કર્યો છે. જો કે, કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે માને છે કે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી ૩૦ વિધાનસભા સીટો એવી છે જેના ઉપર નાના પક્ષોનું મહત્વ રહેલું છે જેમાં બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી, સીપીઆઈએમ અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. આ તમામ નાના પક્ષો ચોક્કસ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં કેટલાક મતવિસ્તારમાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. આ બેઠકો ઉપર પરિણામ ભાજપ અને કોંગ્રેસ બંનેની ગણતરી બગાડી શકે છે. ભાજપના બળવાખોર નેતા ઘનશ્યામ તિવારી દ્વારા હાલમાં જ રચવામાં આવેલી ભારત વાહીની પાર્ટીની કોઇપણ અસર દેખાઈ રહી નથી પરંતુ બાકીની અન્ય પાર્ટીઓ નોંધપાત્ર દેખાવ કરી શકે છે. કોંગ્રેસના રાજ્ય એકમના વડા સચિન પાયલોટે રાજ્યમાં બહુજન સમાજ પક્ષ સહિત કોઇપણ નાના પક્ષ સાથે ચૂંટણી જોડાણ કરવાનો હાલમાં સાફ ઇન્કાર કર્યો છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમે તમામ ૨૦૦ સીટો ઉપર ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરીશું. સચિન પાયલોટની આ જાહેરાતને બસપને મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. કારણ કે, બહુજન સમાજ પાર્ટીએ હાલમાં જ કહ્યું છે કે, ત્રણેય રાજ્યોમાં જોડાણ થશે તો જ બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. ૨૦૦૮માં જ્યારે કોંગ્રેસ પાર્ટી ૯૬ સીટ જીતી શકી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના છ સભ્યોનો ટેકો પાર્ટીએ મેળવ્યો.

(12:00 am IST)