Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

૭મા પગારપંચની માંગણી સહિતના મુદ્દે મહારાષ્‍ટ્રમાં ૧૭ લાખ કર્મચારીઓ દ્વારા ૩ દિવસની હડતાલના મંડાણ

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં આજથી ૧૭ લાખ કર્મચારીઓઅે હડતાલના મંડાણ શરૂ કર્યા છે અને ૭મા પગારપંચની માંગણીઓ તાત્‍કાલીક પૂર્ણ કરવા રજૂઆતો થઇ રહી છે.

મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી સંગઠનના અધ્યક્ષ મિલિન્દ સરદેશમુખે જણાવ્યું છે કે તાલુકા સ્તર સુધીના દરેક કર્મચારીઓ હડતાળમાં જોડાશે, જેમાં શૈક્ષણિક અને ચિકિત્સા સંસ્થા તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ પણ સામેલ થશે. આ કર્મચારીઓ સાતમાં પગાર પંચની ભલામણો લાગુ કરવા સહિત અન્ય માંગોના સમર્થનને લઇને હડતાળ પર જઇ રહ્યાં છે.

હડતાળના કારણે મુખ્યાલય, મંત્રાલય, કલેકટર, તહસીલ અને તાલુકા સ્તર સુધીના દરેક સરકારી કાર્યાલયો કામકાજથી પ્રભાવિત થઇ શકે છે. આટલું જ નહીં શૈક્ષણિક સંસ્થા, તબીબી સારવાર તેમજ અન્ય સંબંધિક સંસ્થાઓના કામકાજ પર પણ અસર જોવા મળશે.

કર્મચારી સંગઠનના નેતાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્ય રાજપત્રિત અધિકારી પરિસંઘ પણ હડતાળમાં જોડાશે કારણ કે તેમને એ વાત આશા છે કે તેમની માંગણી પણ સંતોષવામાં આવશે.

દેશમુખે કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આશ્વાસન આપવા છતાં અમારી માંગણીઓ પર સરકાર ચુપ બેઠી છે, જેમાં વેતન આયોગનો રિપોર્ટ લાગુ કરવાનું સામેલ છે, જેને 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવાનું છે. જ્યારે સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તે આ મામલે બખ્શી સમિતિના રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(7:14 pm IST)