Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના વાયરસની ટ્રાયલ માટેની રસી સૌપ્રથમ ભુવનેશ્વર કેન્‍દ્ર ખાતે શાળાના શિક્ષકને અપાશે

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં રસી બની ગઈ છે. આગામી અઠવાડિયે આ નવી રસીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ રહી છે. પરંતુ તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે દેશમાં સૌથી પહેલા આ રસીની ટ્રાયલ માટે વ્યક્તિની પણ પસંદગી થઈ ગઈ છે. હ્યુમન ટ્રાયલ માટે સૌથી પહેલુ નામ ચિરંજીત ધીબરનું સામે આવ્યું છે. વ્યવસાયે શાળાના શિક્ષક એવા ચિરંજીત પર આગામી અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. તેમને પરિક્ષણ માટે આઈસીએમઆરના ભુવનેશ્વર કેન્દ્ર આવવાનું રહેશે.

ભુવનેશ્વરમાં થશે ટ્રાયલ

ચિરંજીત ધીબરે પોતાના ફેસબુક પેજ પરથી આ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે સંઘની પ્રેરણાથી મે કોરોના વાયરસના ક્લિનિકલ ટ્રાયલ માટે મારું શરીર દેશને દાન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચિરંજીતે એપ્રિલ મહિનામાં જ ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. રવિવારે આઈસીએમઆરના પટણા કેન્દ્રથી તેમને ફોન આવ્યો હતો કે તેમની પસંદગી ક્લિનિકલ ટ્રાયલ માટે થઈ ગઈ છે. તેમને તેની પ્રોસેસ માટે હવે ભુવનેશ્વર બોલાવવામાં આવ્યાં છે.

વ્યવસાયે ટીચર છે ચિરંજીત

જાણકારોનું કહેવું છે કે ચિરંજીત ધીવર બંગાળના દુર્ગાપુરમાં એક શાળામાં શિક્ષક છે. આ સાથે જ આરએસએસની સહયોગી સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની પ્રાથમિક શાખાના રાજસ્તરીય કમિટીના સભ્ય છે.

અત્રે જણાવવાનું કે દેશની ઘરેલુ દવા કંપની ભારત બાયોટેકે આઈસીએમઆર સાથે મળીને કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી છે. આ મહિને દેશના લગભગ 12 સેન્ટરોમાં આ રસીની ક્લિનિકલ ટ્રાયલ થવાની છે. સરકારે આગામી મહિને 15 ઓગસ્ટના દિવસે તેને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે.

(5:29 pm IST)