Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાનો કહેર : ૧૦ કલાકમાં ૬ મોત

રાત્રીના મવડી રામધણ પાસેના નંદનવન-૧ના ધીરૂભાઇ ચાણશ્મા (ઉ.વ.૬૫), મોરબીના રમણિકભાઇ પિત્રોડા (ઉ.વ.૪૮), જેતપુરના ભીખુભાઇ શામજીભાઇ (ઉ.વ.૬૦), સુરેન્દ્રનગરના સુરજીત રોય (ઉ.વ.૨૯)ના મોત પછી આજે વહેલી સવારે વિંછીયાના વૃધ્ધા અમીનાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૬૦) અને દસેક વાગ્યે દૂધ સાગર રોડના હમીદાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૬૨)એ દમ તોડ્યો : રાજકોટ સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં મૃત્યુઆંક ૧૪ થતાં ફફડાટ : નંદનવનના કડવા પટેલ વૃધ્ધ ૧/૭એ સુરતથી આવ્યા'તાઃ ત્યારે કરાવેલા રિપોર્ટ નોર્મલ હતાં: ત્રણ દિવસ પછી એકાએક બેભાન થઇ ગયા ને દાખલ કરાતાં પોઝિટિવ આવ્યો'તોઃ ઘરના ૭ સભ્યો કવોરન્ટાઇન છે : સુરેન્દ્રનગરનો સુરજીત મુળ બંગાળનો વતનીઃ ચાર વર્ષથી અહિ રહી સોની કામ કરતો હતોઃ સોમવારે પોઝિટિવ આવતાં ગાંધી હોસ્પિટલમાં દાખલ હતોઃ ગત રાતે જ રાજકોટ લાવવમાં આવ્યો ને દમ તોડ્યો

રાજકોટ તા. ૮: કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં ગઇકાલે સાંજ સુધીમાં ૮ મોત થયા પછી મોડી રાતે બીજા ૪ દર્દીઓના ટપોટપ મોત નિપજ્યા હતાં. એ પછી આજે વહેલી સવારે વધુ ૧ મોત થતાં અને ત્યારબાદ સવારે દસેક વાગ્યે પણ એક દર્દીએ અંતિમ શ્વાસ લેતાં રાત્રીના સાડા બારથી સવારના દસ સુધીમાં એટલે કે દસેક કલાકમાં છ મોત થયા હતાં. તે સાથે છેલ્લા ૪૮ કલાકનો મૃત્યુઆંક ૧૪ થઇ જતાં કોવિડ-૧૯ વિભાગના બીજા દર્દીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આજે સવારે વિંછીયાના મુસ્લિમ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ રાજકોટના દૂધસાગર રોડ પર રહેતાં અન્ય એક મુસ્લિમ વૃધ્ધાનો ભોગ લેવાયો હતો.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે સાંજના છ સુધીમાં ૮ દર્દીઓએ દમ તોડી દીધો હતો. જેમાં બે રાજકોટના હતાં. એ પછી મોડી રાત્રે રાજકોટના વધુ એક દર્દીનો કોરોનાથી ભોગ લેવાયો હતો. મવડી રામધણ પાસે નંદનવનમાં સગાને ત્યાં આવેલા મુળ સુરતના કડવા પટેલ ધીરૂભાઇ હરિભાઇ ચાણસ્મા (ઉ.વ.૬૫)નું રાત્રે મોત થયું છે. તેઓ સુરત વરાછા યોગી ચોકમાં પત્નિ, પુત્ર સાથે રહી ફરસાણનો વેપાર કરતાં હતાં. ગત ૧/૭ના રોજ તેઓ સુરતથી રાજકોટ આવ્યા હતાં. એ વખતે જ તેમના સિવિલમાં કોરોના રિપોર્ટ કરાવાયા હતાં. પરંતુ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં.

ત્યારબાદ ગયા રવિવારે અચાનક તબિયત બગડી હતી અને બેભાન થઇ ગયા હતાં. ફરીથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા     અને રિપોર્ટ કરાવવામાં આવતાં પોઝિટિવ આવ્યો હતો. અહિ ગત રાત્રીના સવા બારેક વાગ્યે મોત નિપજ્યું હતું. તેમના કુટુંબના અને સંપર્કમાં આવેલા સભ્યો મળી ૭ લોકો કવોરન્ટાઇન છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જ્યારે સુરેન્દ્રનગર પાતરાવાડી વિસ્તારમાં રહેતાં મુળ બંગાળના સુરજીત શીનુભાઇ રોય (ઉ.વ.૨૯)નું પણ રાત્રીના સવા બાર આસપાસ મોત થયું હતું. સુરજીતને ગઇકાલે રાતે જ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાંથી અહિ રિફર કરાયો હતો અને ટૂંકી સારવારને અંતે મોત થયું હતું. આ યુવાન મુળ બંગાળનો વતની હતો. તેના માતા-પિતા ત્યાં રહે છે. પોતે ચારેક વર્ષથી સુરેન્દ્રનગર શેઠ સંજયભાઇ દોલોઇ સાથે રહી ખોડિયાર ચોકની દૂકાનમાં સોની કામ કરતો હતો. ગયા સોમવારે તેની તબિયત બગડતાં ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગઇકાલે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો પણ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

અન્ય બે દર્દીઓમાં જેતપુરના ભીખુભાઇ શામજીભાઇ (ઉ.વ.૬૦) તથા મોરબીના રમણિકભાઇ પ્રભુભાઇ પિત્રોડા (ઉ.વ.૪૮)ના પણ રાત્રે કોવિડ-૧૯ હોસ્પિટલમાં મોત થયા હતાં. દરમિયાન આજે સવારે વિંછીયાના મુસ્લિમ વૃધ્ધા અમીનાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૬૦)એ પણ દમ તોડી દેતાં કોવિડ વોર્ડમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

એ પછી સવારે દસેક વાગ્યે શહેરના દૂધ સાગર રોડ પર રહેતાં હમીદાબેન ઇકબાલભાઇ (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાનું પણ કોરોનાથી મોત થયું હતું. આમ છેલ્લા ૪૮ કલાકમાં સિવિલ હોસ્પિટલનો મૃત્યુઆંક ૧૪ થઇ ગયો છે. રાતથી સવાર સુધીમાં એટલે કે દસ કલાકમાં છ દર્દીઓનો ભોગ લેવાઇ ગયો હતો. (૧૪.૫)

મોરબીના રમણીકભાઇ પિત્રોડાનો પોઝિટિવ રિપોર્ટ ૨૬મીએ આવ્યો'તો

મોરબી તા. ૮ : મોરબી જીલ્લામાં કોરોના ઘાતક બની રહ્યો છે અને કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની અવની ચોકડી વિસ્તારમાં રહેતા ડોકટર સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.તેમજ મોરબીની સરગિયા શેરીમાં રહેતા યુવાનનું કોરોનાથી મૃત્યુ નીપજયું હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના મોરબીના અવની ચોકડી નજીક રહેતા અને રંગપર બેલા ગામે કલીનીક ઘરાવતા ૨૫ વર્ષના ડોકટરને ગતા તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે તો પોઝીટીવ ડોકટરની તબિયત સ્વસ્થ થતા તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.તો મોરબી માટે દુખદ વાત એ કે છે. મોરબી જીલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંક ૪ પર પહોચ્યો છે. જેમાં મોરબીના નહેરૂ ગેટ નજીક આવેલ સરગીયા શેરીમાં રહેતા રમણીકભાઇ પ્રભુભાઇ પિત્રોડા (ઉ.વ.૫૫) પુરૂષને ગત તા.૨૬-૦૬-૨૦૨૦ ના રોજ કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો અને બાદમાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગતઙ્ગ મોડી રાત્રીના તેનું મૃત્યુ નીપજયું હતું. તેમજ તેઓ લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડિત હોવાનું પણ આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું.

(2:51 pm IST)