Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજીવ ફાઉન્ડેશન સહિત ૩ ટ્રસ્ટનાં ફન્ડીંગની થશે તપાસ : ગૃહ મંત્રાલયે સાણસામાં લેવા પેનલ રચી

હવે ગાંધી પરિવારના 'કાળા કારનામા' ઉપરથી હટશે પડદો : વધશે મુશ્કેલી

નવી દિલ્હી તા. ૮ : રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ભંડોળ અંગે સતત ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જે આ ફાઉન્ડેશનના ભંડોળ, તેમના દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનોની તપાસ કરશે. આ સમિતિનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના સ્પેશિયલ ડાયરેકટર કરશે.

બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવકતા દ્વારા ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અંતર મંત્રાલય સમિતિની રચના કરી છે. જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.'

આ તપાસમાં પીએમએલએ એકટ, ઇન્કમટેકસ એકટ, એફસીઆરએ એકટના નિયમોના ભંગની તપાસ કરવામાં આવશે. સમિતિની અધ્યક્ષતા ઇડીના વિશેષ નિયામક કરશે. હકીકતમાં, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે જયારે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી નાણાં મળતા હતા.

આ સિવાય યુપીએ સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દેશ માટે વડા પ્રધાન રાહત ફંડમાંથી પૈસા પણ આપ્યા હતા. ભાજપનો આરોપ છે કે ૨૦૦૫-૦૮ સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રકમ પીએમએનઆરએફ પાસેથી મળી હતી. જો કે જવાબમાં કોંગ્રેસે આ બધા આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનો પાયો છે અને તેનું કાર્ય સેવા કરવાનું છે. કોંગ્રેસે કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને વર્ષ ૨૦૦૫-૦૬માં પીએમએનઆરએફ પાસેથી ૨૦ લાખ રૂપિયાની નજીવી રકમ મળી હતી. જેનો ઉપયોગ આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં રાહત કાર્ય માટે કરવામાં આવ્યો હતો.

જેપી નડ્ડાએ ૨૦૦૭-૨૦૦૮ અને ૨૦૦૫-૨૦૦૬ ના વર્ષો દરમિયાન દાતાની સૂચિની છબીઓ પણ તેમના દાવાની પાછળ રજૂ કરી હતી. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગેઇલ સહિત રાજયની માલિકીની અનેક કંપનીઓ અને ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિતના મંત્રાલયો સામેલ છે.

(2:48 pm IST)