Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

WHOએ સ્વીકાર્યુ

કોરોના સંક્રમણ હવાથી ફેલાવાના પુરાવા મળ્યા

અનેક દેશોના વૈજ્ઞાનિકોએ WHOને ખુલ્લો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે અને તેમણે પોતાના દિશાનિર્દેશોમાં ફેરફાર કરવા જોઈએ

વોશિંગટન, તા.૮: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અંતે મંગળવારે એ સ્વીકારી લીધું કે કોરોના વાયરસ સંક્રમણ 'હવાથી ફેલાવાના' કેટલાક પુરાવા મળ્યા છે.  WHOએ કહ્યું છે કે પૂરી આશંકા છે કે સંક્રમણ હવા દ્વારા ફેલાઈ રહ્યો છે, જોકે તેની પર હજુ વધુ ડેટા એકત્ર કરવાનો બાકી છે. આ પહેલા અનેક દેશોના વૈજ્ઞાનિકોએ  WHOના એક ખુલો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે અને તેને પોતાના દિશાનિર્દેશોમાં ફેરફાર કરવા જોઈએ.

નોંધનીય છે કે, ૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાનિકોએ કોરોના મહામારીને લઈ એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં WHO ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવાના માધ્યમથી પણ ફેલાય છે પરંતુ WHO તેને લઈને ગંભીર નથી અને સંગઠને પોતાની ગાઇડલાઇન્સમાં પણ તેની પર મૌન સાધી લીધું છે. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે છીંક ખાધા બાદ હવામાં દૂર સુધી જનારા મોટા ડ્રોપલેટ કે નાના ડ્રોપલેટ એક રૂમ કે એક નિર્ધારિત ક્ષેત્રમાં હાજર લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હોય છે. બંધીયાર સ્થળો પર તે દ્યણી વાર સુધી હવામાં રહે છે અને આસપાસમાં ઉપસ્થિત તમામ લોકોને સંક્રમિત કરી શકે છે. ફરી એકવાર ટીકાનો સામનો કર્યા બાદ  WHOના બેનેદેત્તા આલ્લેગ્રાંજીએ મંગળવારે કહ્યું કે, જાહેર સ્થળો પર, ખાસ કરીને ભીડવાળા સ્થળો, ઓછી હવાવાળા અને બંધ સ્થળો પર હવાના માધ્યમથી વાયરસ ફેલાવાની આશંકાથી ઇન્કાર ન કરી શકાય. જોકે, આ પુરાવાઓને એકત્ર કરવા અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું. તેઓએ કહ્યું કે કોરોના વાયરસના હવાના માધ્યમથી ફેલાવાના પુરાવા તો મળી રહ્યા છે પરંતુ હજુ તે પાકે પાયે ન કહી શકાય.

(11:06 am IST)