Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ભારતમાં રોજ કોરોનાના ૨.૮૭ લાખ કેસ નોંધાશે : અભ્યાસ

પિકચર અભી બાકી હૈ : વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્તવાળો દેશ બનશે ભારત

નવી દિલ્હી તા. ૮ : એક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે તે પછી અમેરિકાનો ક્રમ રહેશે.

જો કોરોનાની રસી નહિ શોધાય તો આવતા વર્ષના પ્રારંભે ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૧ પહેલા ભારતમાં રોજ ૨.૮૭ લાખ કેસ નોંધાતા જશે. વિશ્વની ૬૦ ટકા વસ્તીને આવરી લેતો ૮૪ દેશોમાંથી ટેસ્ટીંગ અને કેસ ડેટાના સમન્વયથી આ અભ્યાસ હાથ ધરાયો છે.

એમઆઇટીના અભ્યાસ મુજબ જો સારવાર નહિ મળી શકે તો માર્ચથી મે ૨૦૨૧ દરમિયાન વિશ્વસ્તરે ૨૦ કરોડથી ૬૦ કરોડ વચ્ચે કેસ હશે.

અભ્યાસ અનુસાર કોરોનાથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ બનશે તે પછી અમેરિકા રોજ ૯૫૦૦૦ કેસ સાથે બીજા ક્રમે રહેશે. દક્ષિણ આફ્રીકામાં રોજ ૨૧૦૦૦, ઇરાનમાં રોજ ૧૭૦૦૦ કેસ રોજ નોંધાશે. આ પ્રોજેકશન ફેબ્રુ. ૨૦૨૧ના અંત સુધીમાં કરવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં ત્રણ મુખ્ય બાબતોને આવરી લેવાઇ છે. જેમાં હાલના (૧) ટેસ્ટીંગના દરો અને તેનો રીસ્પોન્સ (ર) જો ટેસ્ટીંગ રોજ ૦.૧ ટકા વધારાય તો અને (૩) જો ટેસ્ટીંગ હાલ મુજબ જ થતું રહે પણ કોન્ટેકટ રેટ ૮ સુધી લઇ જવાય તો એટલે કે ૧ અસરગ્રસ્ત ૮ વ્યકિતને સંક્રમિત કરી શકે તે આધારે થયો છે અભ્યાસ.

(11:05 am IST)