Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આગ્રામાં મોટી દુર્ઘટનાઃ રસ્તા કિનારે સૂતા લોકો બેકાબૂ ટ્રક નીચે કચડાયાઃ ૫નાં મોત, ૨ ગંભીર

કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો પર ટ્રક આફત બનીને આવી, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

આગ્રા, તા.૮: તાજનગરી આગ્રાના સિકંદરા વિસ્તારમાં નેશનલ હાઇવે-૨ પર રસ્તા કિનારે સૂઈ રહેલા લોકો પર એક બેકાબૂ ટ્રક ચઢી ગઈ. મંગળવાર મોડી રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઘટના અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ ટ્રકને પણ જપ્ત કરી લેવામાં આવી છે. તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હોવાનું કહેવાય છે. નેશનલ હાઇવે-૨ પર રસ્તાના કિનારે કચરો વીણનારા સાત લોકો સૂઈ રહ્યા હતા. તે સમયે જ કાનપુર તરફથી આવી રહેલી ટ્રક બેકાબૂ થઈને તેમની પર ચઢી ગઈ.

આ કરૂણ દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જયારે બે લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસ ડ્રાઇવરની ધરપકડ કરી અકસ્માતની તપાસમાં લાગી છે.

(10:18 am IST)