Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

૩૫ ટકા લઘુમતિ સમુદાયના લોકોના મતો ભાજપને મળશે

મોદી વિકાસની કામગીરીને લઇને કટિબદ્ધ : નકવી : મોદી સત્તા પર આવ્યા બાદથી કોઇ રમખાણો થયા નથી

નવીદિલ્હી, તા. ૮ : કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે દાવો કર્યો હતો કે, લઘુમતિ સમુદાયના લોકોમાં દહેશત ફેલાવવા માટેની વિરોધ પક્ષની ઝુંબેશને અંત આવી ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે, ૩૦થી ૩૫ ટકા લઘુમતિ લોકો ભાજપ માટે મત આપનાર છે. નકવીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં સત્તા ઉપર આવેલા ભાજપે શાનદાર કામગીરી કરીને તમામ સમુદાયના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. નકવીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મુસ્લિમ સહિત ૩૫ ટકા લઘુમતિ લોકો ૨૦૧૯માં ભાજપને મત આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એનડીએ સરકારે લઘુમતિઓના વિકાસ માટે વ્યાપક કામ કર્યું છે. આ સમુદાયના લોકોમાં પણ એવી ભાવના છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. એક મુલાકાતમાં લઘુમતિ બાબતોના મંત્રી નકવીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈને આવી ત્યારે વિરોધ પક્ષોએ લઘુમતિ સમુદાયના લોકોમાં દહેશત ફેલાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અમે એમ કહી શકીએ નહીં કે,  વિરોધ પક્ષોની સ્થિતિ એક ચિંતાજનક બનેલી છે. નકવીએ ઉમેર્યું હતું કે, ૨૦૧૪ની ચૂંટણીમાં લઘુમતિ સમુદાય તરફથી ૧૮થી ૨૦ ટકા લોકોએ મોદીને મત આપ્યા હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં ૩૫ ટકા સુધી લોકો મોદીને મત આપશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદથી દેશમાં કોઇ જગ્યાએ કોઇ મોટા કોમી તોફાનો થયા નથી. મોદી સરકાર આવ્યા બાદ કાશ્મીરની બહાર કોઇ મોટા આતંકવાદી હુમલા પણ થઇ શક્યા નથી. અથવા તો કોઇ કોમી રમખાણો પણ થઇ શક્યા નથી. અગાઉની યુપીએ સરકારના ગાળા દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હુમલા થયા હતા. નકવીએ સરકારની યોજનાઓ અંગે વાત કરી હતી.

(7:47 pm IST)