Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

હાસ્યકાર સાંઇરામ દવે અને સામાજિક કાર્યકર નેહલ ગઢવી પણ અકિલા ઇન્ડિયા ઇવેન્ટના મહેમાન

પૂ.ભાઇશ્રી રાજકોટમાં: રાત્રે અકિલાનો ગુજરાત્રી કાર્યક્રમ

પૂ.રમેશભાઇ ઓઝા 'સ્વના મેનેજમેન્ટ' પર પ્રવચન આપશેઃ હેમુગઢવી હોલમાં રાત્રે ૮-૩૦ વાગ્યે કાર્યક્રમઃ સાંઇરામ દવે સંબંધોનુ મેનેજમેન્ટ સમજાવશેઃ નેહલ ગઢવી સમયનું મેનેજમેન્ટ શીખવશે

રાજકોટ, તા. ૭ :. દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થયેલા ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા રાજકોટ પધાર્યા છે. 'અકિલા' ઈન્ડિયા ઈવેન્ટસના પ્રોગ્રામ ગુજરાત્રીમાં પૂ. ભાઈશ્રી 'સ્વના મેનેજમેન્ટ' વિષય પર વકતવ્ય આપનાર છે. આજે રાત્રે ૮.૩૦ વાગ્યે હેમુ ગઢવી નાટયગૃહમાં ગુજરાત્રી કાર્યક્રમ યોજાશે. વિશિષ્ટ વિષયો પર પ્રિય વકતાઓને સાંભળવાનો થનગનાટ શ્રોતાઓમાં સર્જાયો છે. પૂ. ભાઈશ્રી ઉપરાંત હાસ્યકાર અને કેળવણીકાર શ્રી સાંઈરામ દવે તથા સામાજિક કાર્યકર અને વકતા સુ શ્રી નેહલ ગઢવી પણ અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સના મહેમાન બન્યા છે અને વકતવ્ય આપનાર છે.

અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ મસ્તીની જીવન ઉપયોગી ગિફટ લઈને આવી રહ્યુ છે. 'ગુજરાત્રી' પ્લેટફોર્મ અંતર્ગત અભૂતપૂર્વ આયોજન થયું છે.

ગુજરાત્રી પ્લેટફોર્મના સ્વપ્નને સાકાર કરનાર સ્વપ્નદ્રષ્ટા શ્રી નિમિષભાઈ ગણાત્રા કહે છે કે, વર્તમાન જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા વિષયો પર અણમોલ રત્ન જેવા વકતાઓના વકતવ્યોનું આયોજન થયુ છે.

આજે શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે હેમુ ગઢવી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે ગુજરાત્રી પ્લેટફોર્મ અંતર્ગત 'Life mantra' કાર્યક્રમમાં ત્રણ વકતાઓના વકતવ્યો, ત્રણ વિષયો પર યોજાશે. કથાકાર - ચિંતક પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) 'સ્વનુ મેનેજમેન્ટ' વિષય પર વકતવ્ય આપશે. બાદમાં 'સંબંધોનું મેનેજમેન્ટ' વિષય પર હાસ્યકાર અને કેળવણીકાર સાંઈરામ દવે વકતવ્ય આપશે. ત્રીજુ વકતવ્ય 'સમયનું મેનેજમેન્ટ' વિષય પર યોજાશે. લોકપ્રિય વકતા નેહલબેન ગઢવી આ વિષય પર વકતવ્ય આપશે.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત દિગ્દર્શક વિરલ રાચ્છ અને વિખ્યાત કવિ મિલિન્દ ગઢવી સંભાળશે

લાઇફ મેનેજમેન્ટ એ કલાનો વિષય છે. માણસ ખુદને મેનેજ કરે, સંબંધોને મેનેજ કરે અને સમયનું મેનેજમેન્ટ કરી લે તો સુખ-સફળતાના ચાન્સ અનેકગણા વધી શકે છે. જીવનને દરેક તબક્કે આ ત્રણે પ્રકારના મેનેજમેન્ટની સમજ ખૂબ ઉપયોગી છે.

અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ આવી ઉપયોગી ગિફટ લઈને આવ્યું છે. ગુજરાત્રી થીમ અન્વયે પ્રથમ કાર્યક્રમ કાવ્ય અને સંગીતના સંગમનો હતો. આ કાર્યક્રમમાં શ્રી નિમિષભાઈ ગણાત્રાએ વચન આપ્યું હતુ કે, ગુજરાત્રી-૨ માં અમે ખૂબ ઉપયોગી વિષયની ગિફટ આપીશું, એટલે જ આ 'Life mantra' ઇવેન્ટનું આયોજન કરાયું છે.

આજે તા. ૮ના શનિવારે યોજાનારો આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી છે અને કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

રસ ધરાવનારા લોકોએ રજિસ્ટ્રેશનની નાનકડી પ્રક્રિયામાંથી પસાર થવાનુ છે. www.gujratri.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન થઈ શકે છે અને અન્ય માહિતી પણ પ્રાપ્ત થઈ શકે છે.

(11:26 am IST)