Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઇમરાનનો મોદીને પત્ર

કાશ્મીર સહિત તમામ મુદે ચર્ચા કરવા પાકિસ્તાન તૈયાર છેઃ તમે માત્ર હા પાડો

પાકિસ્તાન હવે ઝુકવા લાગ્યુ

ઈસ્લામાબાદ, તા.૮: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે પોતાના ભારતીય સમકક્ષ પીએમ નરેન્દ્રભાઇ મોદીને એક પત્ર લખીને કહ્યું કે, કાશ્મીર મુદ્દા સહિત તમામ સમાધાન યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે પાકિસ્તાન ભારત સાથે વાર્તા કરવા માંગે છે. હકીકતમાં એક દિવસ પહેલા જ ભારતે કહ્યું હતું કે, બિશકેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર બેઠક સિવાય આ બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં.

ભારતના વડાપ્રધાન પદ પર બીજા કાર્યકાળ બદલ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવતા ખાને પત્રમાં કહ્યું  કે બંને રાષ્ટ્રો વચ્ચે વાર્તા જ બંને દેશોના લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનું એકમાત્ર સમાધાન છે તથા તે માટે એ જરૂરી છે કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવે. જિયો ટીવીના અહેવાલમાં આ જણાવાયું છે.

ખાને કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે. મોદી સત્તામાં પાછા ફર્યા બાદ આવું બીજીવાર બન્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાને બંને દેશોના લોકોના ભલા માટે ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ ભારતે એર સ્ટ્રાઈક કર્યા પછી બંને દેશો લગભગ યુદ્ઘની કગાર પર પહોંચી ગયા હતાં. લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત પર ૨૬મી મેના રોજ ઈમરાન ખાને વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ જવાબમાં ક્ષેત્રમાં વિશ્વાસ પેદા કરવાની તથા શાંતિ અને સમૃદ્ઘિ માટે હિંસા તથા આતંકવાદ મુકત માહોલ બનાવવાની અપીલ કરી હતી. જો કે ભારતે વાર્તાની પાકિસ્તાનની રજુઆતને એમ કહીને ફગાવી દીધી હતી કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે.(૨૩.૪)

(10:19 am IST)