Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર : કિંમત વધુ ઘટી

૧૦ દિવસમાં એક રૂપિયા સુધીનો ઘટાડો થયો : ડિઝલમાં ૧૦ દિનમાં ૮૨ પૈસાનો ઘટાડો થયો : કિંમતોને અંકુશમાં લેવા માટે લાંબાગાળાની યોજના પર કામ જારી

નવીદિલ્હી,તા. ૮ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સતત ૧૦માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એકબાજુ પેટ્રોલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવા છતાં હજુ જંગી ઘટાડો કરવામાં આવ્યો નથી. ફ્યુઅલ કિંમતો હજુ પણ રેકોર્ડ ઉંચી સપાટીએ છે. ઘટાડાનો દોર રહ્યો હોવા છતાં ફ્યુઅલની કિંમતો વૈશ્વિક આધાર પર ઉલ્લેખનીયરીતે ઘટી નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે દેશની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર કંપની છે તેના દ્વારા દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જેથી કિંમત ઘટીને ૭૭.૭૨ થઇ છે. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવતા કિંમત ૬૮.૫૫ પ્રતિલીટર થઇ છે. મોટા મેટ્રો શહેરોમાં આઈઓસીએલ દ્વારા રેટમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે જેના ભાગરુપે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૫.૮૪ અને ડીઝલની કિંમત ૭૩.૦૨ થઇ છે. ચેન્નાઈમાં  પેટ્રોલની કિંમત ૮૦.૩૭ અને ડીઝલની કિંમત ૭૨.૪૦ થઇ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૦.૦૭ અને ડીઝલની કિંમત લીટરદીઠ ૭૧.૧૩ થઇ છે. સતત ૧૦ દિવસથી પેટ્રોલ ડીઝલની કિંમત ઘટાડવામાં આવી હોવા છતાં દિલ્હીમાં આ ગાળા દરમિયાન પેટ્રોલની કિંમત માત્ર એક રૂપિયો ઘટી છે જ્યારે ડિઝલની કિંમત ૧૦ દિવસમાં ૮૨ પૈસા ઘટી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામાન્ય લોકોના હાથની બહાર ન જાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. સુધારાના ભાગરુપે કિંમતોને સ્થિર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેટલાક ટેક્સ પણ લાગૂ પડે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ભારતમાં અંકુશમુક્ત બનાવી દેવામાં આવી છે જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતના આધાર પર નક્કી કરવામાં આવે છે. રૂપિયા અને ડોલરના ફોરેક્સ રેટ ઉપર કિંમતો આધારિત હોય છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફ્યુઅલ કિંમતોના ડિરેગ્યુલેશનને પરત ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. ઓઇલ બોન્ડની ફેરચુકવણીમાં બોજ છતાં સરકાર ફ્યુઅલની કિંમતોને અંકુશમાં લેવા માટે તમામ પગલા લઇ રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર ફ્યુઅલની કિંમતોને કાબૂમાં લેવા તમામ પગલા લઈ રહી છે. લાંબાગાળાના ઉકેલ શોધવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ પરિબળોને ધ્યાનમાં પણ લેવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૯મી મે બાદથી સતત ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૧૬ દિવસ સુધી વધારો કરાયા બાદ તેમાં ઘટાડાની શરૂઆત થઇ છે. સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરાયો છે.ા બ્રેન્ટ ક્રૂડની કિંમત ગયા મહિનામાં બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી હતી.

(7:41 pm IST)