Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અરૃંધતી રોયના બેફામ આરોપોઃ ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઇઃ પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર કબ્જો

લોકોની રસ્તા ઉપર હત્યાઓ થઇ રહી છેઃ દેશમાં થઇ રહેલ હિંસા ભયાવહ છેઃ અનેક પરંપરાગત ઉદ્યોગો ઉપર આક્રમણ

નવી દિલ્હી તા. ૮ :.. બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અને સામાજિક કર્મશીલ અરૃંધતી રોયે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે મોદીની પ્રશંસક નથી.

મોદીને નિંદાને યોગ્ય ગણાવતા રોયે આ બાબત તરફ ધ્યાન દોર્યુ હતું કે, હાલની ભાજપ સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઇ છે અને તેના દ્વારા ભારતની કેટલીક પ્રતિષ્ઠીત સંસ્થાઓ પર કબજો કરી લેવામાં આવ્યો છે. તેમના પુસ્તક 'ધ મિનીસ્ટ્રી ઓફ અપ્મોસ્ટ હેપ્પીનેસ' ના સંદર્ભમાં મોદી વિશે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં રોયે કહ્યું હતું કે, આજે તમે જોઇ રહ્યા છો કે ભારતમાં મુસ્લિમ સમુદાયને જુદો પાડી દેવામાં આવ્યો છે. તમે જોઇ રહ્યા છો કે લોકોની રસ્તા પર હત્યા કરી દેવામાં આવે છે. તમે જોઇ રહ્યા છો કે મુસ્લિમોને તેમની પરંપરાગત આર્થિક પ્રવૃતિઓથી દૂર કરવામાં આવી રહ્યા છે. માંસની દુકાનો ચર્મ ઉદ્યોગ, હસ્તકલાની વસ્તુઓ બધા પર આક્રમણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં થઇ રહેલી હિંસા ભયાનક છે.

કાશ્મીરમાં એક નાની બાળકી સાથે બળાત્કાર થાય  છે. અને ત્યારબાદ મહિલાઓ સહિત હજારો લોકો બળાત્કારીઓના સમર્થનમાં અથવા કહો કે કથિત બળાત્કારીઓના સમર્થનમાં રેલી કાઢે છે. પરંતુ મુખ્ય વાત એ છે કે કેસની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ, જે ધ્રુવીકરણ છે તે ઘણો ભયાનક છે. આ ઘટના ખાસ કરીને શર્મનાક એટલા  માટે પણ છે કે બળાત્કારના આરોપીઓના સમર્થનમાં ત્રિરંગાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો.

(3:40 pm IST)