Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રેલવે સ્ટેશન પર મળતી ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ કઇ રીતે લેશો?

PM મોદીની મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત

નવી દિલ્હી તા. ૮ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ભારતને ૪૦૦ રેલવે સ્ટેશનો પર મફત વાઈ-ફાઈ આપવાની સુવિધા શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (૭ જૂને) ભારતીય રેલવેની ટેલિકોમ કંપની રેલટેલ સાથે પાર્ટનરશીપમાં ગૂગલે આ ઉપલબ્ધિની જાહેરાત કરી.

અસમનું ડિબ્રૂગઢ રેલવે સ્ટેશન મફત સાર્વજનિક વાઈ-ફાઈની સુવિધા આપનારૃં ૪૦૦મું સ્ટેશન બની ગયું છે. રેલવે સ્ટેશનોના યાત્રીઓને મફતમાં વાઈ-ફાઈની સુવિધા આપવા માટે આ યોજનાની શરૂઆત ૨૦૧૬માં થઈ હતી અને બે વર્ષમાં તે પુરી થઈ ગઈ. ત્યારે ૪૦૦ રેવલે સ્ટેશનો પર જ યોજનાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

રેલવાયરના વાઈ-ફાઈ હોટ સ્પોટ રેલવે સ્ટેશનમાં ઉપસ્થિત લોકોને ૩૦ મિનિટ ફ્રી ઈન્ટરનેટ સેવા આપે છે. આ દરમિયાન ૩૫૦ એમબી ડેટા ખર્ચ કરી શકે છે. આ હાઈસ્પીડ ડેટામાં બ્રાઉઝિંગ અને ડાઉનલોડ બંને શામેલ છે. પરંતુ જો અત્યાર સુધી રેલવે સ્ટેશન પર તમે આ સુવિધાનો લાભ નથી લીધો તો અમે તમને જણાવીશું કે કેવી રીતે તેનો લાભ લેવો.

સૌથી પહેલા તે સ્પષ્ટ કરો કે તમે રેલવાયર વાઈ-ફાઈ મળતા રેલવે સ્ટેશનમાં છો. તમે જે ડિવાઈસમાં (સ્માર્ટફોન-લેપટોપ) વાઈ-ફાઈની સુવિધા જોઈએ તેના સેટિંગ્સમાં જઈને વાઈ-ફાઈ ઓન કરો. જો તમે કવરેજ એરિયામાં છો તો તમને ડિવાઈસમાં રેલવાયર વાઈ-ફાઈ એસએસઆઈ જોવા મળશે.

વાઈ-ફાઈ કનેકટ કરવા માટે રેલવાયર ઓપ્શન પર ટેપ કરો અને નેટવર્કમાં સાઈન-ઈન કરવા માટે તમને નોટિફિકેશન મળશે. આ નોટિફિકેશન પર ટેપ કરો, આમ કરતા જ ગૂગલ રેલવાયર સર્વિસ સિકયોર્ડ વેબપેજ ખુલશે. આ પેજ ખુલતા જ તમને તેમાં સૌથી ઉપર સ્ટાર્ટ બટન જોવા મળશે, તેના પર ટેપ કરો.

અહીં તમને રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર પૂછવામાં આવશે. તેમાં રજીસ્ટર કરેલા નંબર પર તમને OTP મળશે. આગળના પેજમાં તમારે આ પાસવર્ડ નાખીને કનેકટ પર કિલક કરવાનું રહેશે. આમ કરવાથી તમારું રેલવાયર વાઈ-ફાઈ કનેકશન શરૂ થઈ જશે. હવે તમે સાઈન-ઈન વેબપેજથી બહાર જઈને મફતના વાઈ-ફાઈનો આનંદ માણી શકો છો.

સારી વાત એ છે કે એકવાર રેલવાયર સાથે ડિવાઈસ કનેકટ થયા બાદ ફરીથી આ સુવિધાનો લાભ લેવા માટે તમારે સાઈન-ઈન નહીં કરવું પડે. ડિવાઈસ માત્ર વાઈ-ફાઈ ઓન કરવા પર જાતે જ કનેકટ થઈ જશે.(૨૧.૫)

(11:36 am IST)