Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવામાં ૭૦ વર્ષનો સમય પણ લાગી શકે છે

વેઇટીંગ લીસ્ટમાં ૭પ ટકાથી વધુ ભારતીયોઃ વેઇટિંગ લિસ્ટમાં ત્રણ-ચતુર્થાંશ ભારતીયો છેઃ કોઇ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરી શકાય નહીં એવો નિયમ આડો આવી રહ્યો છે

વોશીંગ્ટન તા. ૮ :.. અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ઉચ્ચ કૌશલ ધરાવતા પ્રોફેશનલોના વેઇટિંગ લિસ્ટમાં ત્રણ-ચતુર્થાશ કરતાં વધુ ભારતીયો છે એવું તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પરથી જણાયું છે.

ર૦૧૮ ના મે મહિનામાં એમ્પ્લોયમેન્ટ-બેઝડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ  મેળવવા માટે કુલ ૩,૯પ,૦રપ વિદેશી નાગરિકો રાહ જોઇ રહ્યા હતાં. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો હતા એમ યુનાઇટેડ સ્ટેટસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે.જો કે આ આંકડાઓમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડીપેન્ડન્ટ બેનિફીશીયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઇપણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરીકો વેઇટીંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સેલ્વેડોર (૭રપર), ગ્વાટેમાલા (૬૦ર૭), હોન્ડુરસ (પ૪૦ર), ફિલિપીન્સ (૧૪૯૧), મેકિસકો (૭૦૦) અને વિયેટનામ (પર૧) નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઇપણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરીકોને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે. (પ-૮)

શું છે આ ગ્રીન કાર્ડ ?

અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

૩,૯પ,૦રપ વિદેશી નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે

૩,૦૬,૬૦૧ ભારતીયોનાં નામ વેઇટિંગ લિસ્ટમાં છે

(11:35 am IST)