Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ સામાન હશે તો નહીં થાય દંડ : નિયમ કરાયો રદ્દ

વિરોધનો વંટોળ ઉભો થતાં રેલવેની પીછેહઠ

નવી દિલ્હી તા. ૮ : રેલવે દ્વારા નિયત કરેલા સામાન કરતા વધારે સામાન પર દંડ કરવાનો નિર્ણય પરત લીધો છે. આ નિર્ણયનો ચોતરફથી વિરોધ કરવામાં આવી રહ્યો હોવાને લઇને રેલવે દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા નિર્ણય પરત લેતા જણાવવામાં આવ્યું છે કે આ માત્ર ને માત્ર પ્રવાસીઓમાં જાગરૂકતા લાવવા માટે લેવામાં આવ્યોહતો.

રેલવે દ્વારા ૧ થી ૬ જૂન સુધી અભિયાન ચલાવીને નિયમ કરતા વધારાના સામાન પર દંડ લેવાનો નિર્ણય લીધો હતો. રેલવે દ્વારા બુકિંગ વગર નક્કી કરાયેલા કરતાં વધારાના સામન પર છ ગણો દંડ લેવાની વાત કહી હતી. રેલવે મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર લોકોને બતાવવા ચલાવામાં આવ્યું હતું કે વધારાનો સામાન લઇ જવાથી બીજા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા રેલવે મુસાફરી દરમિયાન પ્રવાસીઓને વધુ સામાન રાખવા પર મુસાફરોને દંડ પણ ફટાકરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ રેલ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે મુસાફરી દરમિયાન કેટલો સામાન સાથે રાખી શકાશે.

રેલવે દ્વારા આ અંતર્ગત આ મહિને એક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પંદર દિવસ ચાલનારા આ અભિયાન બાદ જ રેલવે મંત્રાલાય મુસાફરો પાસેથી વધારે સામાન રાખવા પર દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવાની વાત કહી હતી.(૨૧.૧૫)

(11:28 am IST)