Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પાણીની ખાલી બોટલના મળશે રૂપિયા પાંચઃ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને રોકવા રેલવેનો નવતર પ્રયોગ

નવી દિલ્હીઃ પ્લાસ્ટિક અે કદી નાશ નહીં પામતી વસ્તુ છે. અને તેનાથી વાતાવરણ પ્રદુષિત થઇ રહ્યું છે. ત્‍યારે રેલવેઅે પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને ઓછુ કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જે લોકો પ્લાસ્ટિકની ખાલી બોટલ આપશે તેને રૂપિયા પાંચ આપવા આયોજન થઇ રહ્યું છે.

હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવેએ કેટલીક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પ્લેટોમાં ભોજન આપવાનું શરૂ કરી દીધું છે. હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાણીની ખાલી બોટલને ક્રશ કરવાથી તેમને 5 રૂ. પરત મળશે. આની સાથે પ્રવાસીઓને આર્થિક ફાયદો તો થશે જ પણ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે. 

નવા પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ વડોદરા રેલવે સ્ટેશન પર બોટલ ક્રશર મશીન (bottle crusher) લગાવ્યા છે જેનો હેતુ પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ માટે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ બોટલ ક્રશ કરવા માટે 5 રૂ. કેશબેક આપવાની ઓફર પણ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ પ્રયાસને સફળતા મળશે તો ભવિષ્યમાં બીજા સ્ટેશનો પર પણ આવા જ મશીન લગાવવામાં આવશે. 

જો તમે વડોદરાના સ્ટેશન પર લાગેલા બોટલ ક્રશર મશીનમાં પાણીની ખાલી બોટલ નાખશો તો મશીનમાં મોબાઈલ નંબર નોંધાઈ જશે. આ પછી ખાલી બોટલ ક્રશ થઈ જશે અને તમને 5 રૂ. કેશબેક મળશે. આ કેશબેક તમારા પેટીએમ વોલેટમાં આવશે.

(12:00 am IST)