Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઝારખંડના પરિવારને કોરોનાને લીધે ૩ વર્ષ બાદ પુત્રી પરત મળી

સર્વત્ર કોરોનાના હાહાકારમાં એક પરિવારને હાશકારો : દિલ્હીમાં ઘરકામ કરતી યુવતીને કોરોના થતાં માલિકે આઈસોલેશન કેન્દ્રમાં મૂકતાં પરિવાર સુધી પહોંચી ગઈ

ચતરા, તા. : દેશભરમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી રહ્યો છે. કોરોનાની બીજી લહેર તો અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. મહામારીને કારણે અનેક પરિવાર વિખરાઈ ગયા છે. પરંતુ ઝારખંડથી એક કિસ્સો એવો સામે આવ્યો છે જ્યાં કોરોના પરિવાર માટે ખુશીઓનું કારણ બન્યો છે. અહીં કોરોનાને કારણે ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલી દીકરી પરિવારને મળી ગઈ છે.

ઘટનાને વિસ્તારથી જાણીએ તો, ૨૦ વર્ષીય યુવતી ચતરા જિલ્લાના પિપરવાર વિસ્તાવના કલ્યાણપુર ગામમાં રહેતી હતી.પ્રાપ્ત જાણકારી અનુસાર, લગભગ ત્રણ વર્ષ પહેલા પીડિતાને ફૂલચંદ નામના એક તસ્કરે પોતાની વાતોમાં ફસાવી અને લાલચ આપીને દિલ્હી લઈ ગયો. દિલ્હી લઈ જઈને તેને જનકપુરીના એક ઘરમાં કામવાળી તરીકે મુકીને ફરાર થઈ ગયો.

ગયા મહિને પીડિતા કોરોનાથી સંક્રમિત થઈ તો ઘર માલિક તેને સુલતાનપુરી વિસ્તારના આઈસોલેશન સેન્ટરમાં મુકી આવ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર અહીં તેને ઝારખંડની અમુક છોકરીઓ મળી. તેમની સાથેની વાતચીતમાં પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવી. આઈસોલેશન સેન્ટરમાં હાજર અમુક લોકોએ યુવતીની સ્ટોરી સોશિયલ મીડિયા અને વૉટ્સએપ ગ્રુપમાં શેર કરી. સ્ટોરી સામાજિક કાર્યકર્તા અને ચતરા જિલ્લા પરિષદના પૂર્વ સભ્ય શોભા કુજૂરને જાણવા મળી અને તેમણે ચતરા પોલીસનો સંપર્ક કર્યો.

પિપરવાર પોલીસે યુવતી અને તેના પરિવારના બેકગ્રાઉન્ડની તપાસ શરુ કરી. ચતરાના એસપી રિશવ કુમાર ઝાને તેની જાણકારી આપવામાં આવી. ત્યારપછી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર કમલેશ કુમાર ટિરકી અને જૈકિંટા મિંજને યુવતીને દિલ્હીથી રેસ્ક્યુ કરવાનું કામ સોંપવામાં આવ્યું. આખરે પહેલી મેના રોજ યુવતી પોલીસ ટીમની સાથે ચતરા પાછી ફરી. પાંચમી મેના રોજ તેને કલ્યાણપુર લઈ જવામાં આવી જ્યાં તેની મુલાકાત પોતાના પરિવાર સાથે થઈ.

તસ્કરીનો શિકાર બનેલી યુવતી પરિવારને મળીને અત્યંત ખુશ છે. તેણે કહ્યું કે, હું શોભા દીદી અને પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કરુ છું. ૨૦૧૮માં મેં મેટ્રિકની પરીક્ષા આપી અને પરિણામની રાહ જોતી હતી. તે દરમિયાન ફૂલચંદ નામની એક વ્યક્તિએ મને અનેક પ્રકારની લાલચ આપી અને દિલ્હી લઈ ગયો. હું આગળ ભણવા માંગતી હતી પરંતુ મારા બધા સપના તૂટી ગયા. નોંધનીય છે કે પોલીસે ફૂલચંદ સામે ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે.

(7:37 pm IST)