Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રસીકરણ માટેના કોવિન પોર્ટલમાં મહત્વના ફેરફારઃ ડિઝીટલ સિક્યુરીટી કોડ સંભાળીને રાખવો પડશે

નવી દિલ્હી: એકબાજુ જ્યાં લોકોને કોરોના રસી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યાં રસીની અછત અને રજિસ્ટ્રેશન સંબધિત મુશ્કેલીઓએ લોકોને પરેશાન કર્યા છે. જો કે સરકાર બંને મોરચે વ્યવસ્થા ઠીક કરવામાં લાગી છે.  આ જ કડીમાં કોવિન પોર્ટલમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર દ્વારા કેટલીક  ખામીઓ દૂર કરવામાં આવી છે, આ સાથે જ એવી કેટલીક સુવિધાઓ પણ જોડવામાં આવી છે જેથી કરીને રજિસ્ટ્રેશનને સરળ બનાવી શકાય.

આવી રહી હતી આ સમસ્યાઓ

સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના આ પરેશાનીઓ વિશે ખુલીને ઉલ્લેખ કર્યો છે. જેને ધ્યાનમાં રાખતા હવે સરકારે કોવિન પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

આ છે સૌથી મોટો ફેરફાર

કોવિન પોર્ટલ પર કરાયેલા ફેરફારમાં સૌથી મોટો ફેરફાર છે ડિજિટલ કોડ ફીચર. હવે રજિસ્ટ્રશનના સમયે યૂઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ આવશે, જે સંભાળીને રાખવો પડશે. રસીકરણ બાદ આ કોડ વેક્સિનેટરને આપવો પડશે. ત્યારબાદ જ સંબંધિત વ્યક્તિનું રસીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવશે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ત્યારબાદ એવું માનવામાં આવશે કે તમને રસી મળી ગઈ છે.

રસી મૂકાવ્યા વગર મળતા હતા મેસેજ

વાત જાણે એમ છે કે અનેક લોકોની ફરિયાદ હતી કે રસી લગાવ્યા વગર જ તેમને રસીકરણ પૂરું થવાના મેસેજ મળતા હતા. ત્યારબાદ આ ફીચર જોડવામાં આવ્યું છે. આ ફેરફાર 8 મે એટલે કે આજથી લાગુ થયું છે. ત્યારબાદ હવે કોડ વગર રસી મૂકાવી શકાશે નહીં. અત્રે જણાવવાનું કે કોવિન સિસ્ટમ પર લાગુ કરાયેલું આ ફીચર ફક્ત  એવા લોકો માટે હશે તેમણે રસીકરણ માટે ઓનલાઈન બુકિંગ કર્યું છે.

સર્ટિફિકેટ માટે પણ કોડ જરૂરી

આરોગ્ય સેતુ એપ દ્વારા મળેલી જાણકારી મુજબ રસીકરણ સેન્ટર પર 4 અંકવાળો કોડ દેખાડ્યા બાદ રસી મૂકાશે. આ ઉપરાંત જો તમે રસીકરણ બાદ ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ કરવા માંગતા હોવ તો પણ તમારે પોર્ટલ પર તમારો કોડ નોંધાવવો પડશે. ત્યારબાદ તમને મેસેજ આવશે કે તમારું રસીકરણ સફળતાપૂર્વક થઈ ગયું છે. જો તમારે આ મેસેજ ન આવે તો આ અંગે તમારે સેન્ટરને બતાવવું પડશે.

(4:53 pm IST)