Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જર્મનીએ અમદાવાદ અને દિલ્હીમાં માટે બે ઓકિસજન જનરેટર પ્લાન્ટ મોકલ્યા

કપરા કોરોનાકાળમાં અનેક દેશો ભારતના મદદે

નવી દિલ્હી,તા.૮: કોરોના વાઇરસની બીજી લહેરે આતંક મચાવતા આખુ વિશ્વ ભારતની મદદે આવ્યું છે. આજે જર્મનીએ પણ ભારતને બે જાયન્ટ ઓકિસજન જનરેટર પ્લાન્ટ મોકલ્યા. જેમાંથી એક અમદાવાદ અને બીજો રાજધાની દિલ્હીમાં સ્થાપિત કરાશે. આ બંને અધ્યતન પ્લાન્ટ જર્મન એરફોર્સના ખ્ ૪૦૦પ્ કાર્ગો પ્લેનમાં દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.

જર્મનીથી આવેલ બેમાંથી એક પ્લાન્ટ SVP કેમ્પસમાં લગાવવામાં આવશે. આ ઓકિસજન પ્લાન્ટને હોસ્પિટલમાં જ લગાવવાના હોય છે. તેને કોઇ રિફિલિંગની જરુર હોતી નથી. અત્યારે યુદ્ધના ધોરણે દિલ્હીમાં તેના પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું છે. ટુકમાં અમદાવાદમાં તેનું સ્થાપન થઇ જશે. જેના માટે એકસપર્ટની ટીમ અમદાવાદ આવવા રવાના થઇ ગઇ છે.

આમ તો ભારત ૧૬ વર્ષથી આફતો વિદેશી સહાય લેતું નહતું. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મોદી સરકારે આ પરંપરાને તોડી છે. તેથી કપરા સમયમાં અમેરિકા, UK, ફ્રાન્સ, જર્મની, આયરર્લેન્ડ, થાઈલેન્ડ, સિંગાપોર, દુબઇ, કુવૈત, રશિયા, સાઉદ અરબ, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઇટલી, UAE અને સ્વીઝરલેન્ડ સહિતના દેશો ભારતની વ્હારે આવ્યા છે. ભારતે પણ ગત વર્ષે ઘણા દેશને દવા અને ઈન્જેકશન મોકલીને મદદ કરી હતી. આ વખતે પણ ઘણા દેશમાં વેકિસનનો જથ્થો મોકલ્યો છે.

ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ ખાતેથી ૧૮ ટનના ૩ ઓકિસજન જનરેટર અને ૧,૦૦૦ વેન્ટિલેટર સાથે વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાને ભારત માટે ઉડાન ભરી દીધી છે. બ્રિટિશ સરકારે એ પોતે જ આ અંગેની જાણકારી આપી છે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના કહેવા પ્રમાણે એરપોર્ટના કર્મચારીઓએ આખી રાત આકરી મહેનત કરીને વિશાળકાય એન્ટોનાવ ૧૨૪ વિમાનમાં જીવન રક્ષક દવાઓ લાદી હતી. ઈન્ડિયન રેડક્રોસની મદદથી યુકેથી આવેલા આ પુરવઠાને કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા ભારતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય ઓકિસજન જનરેટરમાંથી પ્રત્યેક જનરેટર પ્રતિ મિનિટ ૫૦૦ લીટર ઓકિસજનનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જે એક સમયે ૫૦ લોકોના ઉપયોગ માટે પર્યાપ્ત છે.

(4:31 pm IST)