Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જનતાના જીવ ભલે જાય, પણ વડાપ્રધાનની ટેક્ષ વસૂલી ન જાય

વેકિસન તેમજ GST મુદ્દે રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી તા. ૮ : કોરોના વેકિસનની કિંમતો બાદ હવે તેના પર લગાવવામાં આવેલા ટેકસને લઈને વિવાદ શરૂ થયો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીથારામણને ચિઠ્ઠી લખીને વેકિસનની ખરીદી પર લાગતા GSTને માફ કરવાની માંગણી કરી હતી. ત્યારે હવે શનિવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વેકિસન પર ટેકસની વસૂલાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'જનતાના પ્રાણ જાય, પણ PMના ટેકસ વસૂલી ન જાય' આ ટ્વીટની સાથે તેમણે હેશટેગ જીએસટીનો પણ ઉપયોગ કર્યો હતો.સરકારે વિદેશથી આવતી કોરોના વેકિસન પરનો જીએસટી હટાવી દીધો છે પરંતુ દેશની અંદર વેકિસનની ખરીદી પર હજુ પણ જીએસટી લેવાઈ રહ્યો છે. કોરોના વેકિસન પર કેન્દ્ર સરકાર તરફથી ૫ ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડનો એક ડોઝ રાજયોને ૩૦૦ રૂપિયા અને ભારત બાયોટેકની કોવેકિસનનો એક ડોઝ ૪૦૦ રૂપિયામાં મળી રહ્યો છે. તેના પર અલગથી ૫ ટકા જીએસટી લાગી રહ્યો છે. આમ રાજયોને કોવિશીલ્ડનો એક ડોઝ ૩૧૫ રૂપિયામાં અને કોવેકિસનનો એક ડોઝ ૪૨૦ રૂપિયામાં પડી રહ્યો છે. આમ રાજયો પર વધારાના ખર્ચનું ભારણ વધી રહ્યું છે. આ કારણે અનેક રાજયો વેકિસન પર લાગતા જીએસટીમાં છૂટની માંગણી કરી રહ્યા છે. જયારે કેન્દ્ર સરકારને બંને વેકિસનનો એક ડોઝ ૧૫૦ રૂપિયામાં મળી રહ્યો છે.

ભારતમાં હાલ ૩ વેકિસનના ઉપયોગને મંજૂરી મળી છે. પહેલી વેકિસન છે કોવિશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટિટ્યુટ બનાવી રહી છે અને બીજી કોવેકિસન છે જેને આઈસીએમઆર સાથે મળીને ભારત બાયોટેક બનાવી રહી છે. ત્રીજી વેકિસન છે સ્પુતનિક-V જેને ઈમરજન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે. તે રૂસી વેકિસન છે જેને ભારતની ડો. રેડ્ડી લેબ બનાવશે. જો કે, હજુ સ્પુતનિક-Vની કિંમતો નક્કી નથી થઈ.

(3:18 pm IST)