Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મહિલાઓને અને બાળકોને પોલીસ સ્ટેશન લાવવાની શું જરૂર હતી ? : અગરતલામાં લગ્ન સમારોહ રોકી દઈ તમામને પોલીસ સ્ટેશન લઇ જનાર ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ત્રિપુરા હાઇકોર્ટ ખફા : મેજિસ્ટ્રેટ વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો

અગરતલા : અગરતલામાં લગ્ન સમારોહ રોકી દઈ તમામને પોલીસ સ્ટેશન લઇ જનાર ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ  ત્રિપુરા હાઇકોર્ટ ખફા થઇ છે.નામદાર કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહિલાઓને અને બાળકોને પોલીસ સ્ટેશન લાવવાની શું જરૂર હતી ?

ત્રિપુરા હાઇકોર્ટે પશ્ચિમ ત્રિપુરાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) સાૈલેશકુમાર યાદવના આચરણને વખોડી કાઢ્યું  હતું, જે રાજ્યની રાજધાની અગરતલામાં લગ્ન સમારોહમાં બળજબરીથી દરમિયાનગીરી કરતો અને લગ્ન  રોકતો કેમેરામાં ઝડપાયો હતો.

મુખ્ય ન્યાયાધીશ અકિલ કુરેશી અને ન્યાયાધીશ એસ.જી. ચટ્ટોપાધ્યાયની બનેલી ડિવીઝન બેંચે ઘટનાની રાત્રે પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવેલી મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જ્યારે રાજ્યના અધિકારીઓએ દાવો કર્યો હતો કે કોઈ ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી અને મહિલા અને બાળકો સહિતના લગ્ન મંડપમાં હાજર લોકોને ફક્ત સલામતી પુરી પાડવા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા .

નામદાર કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી મેજિસ્ટ્રેટ વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)