Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આસામ-કેરળમાં હાર તો પશ્ચિમ બંગાળમાં ન ખુલ્યુ ખાતુ : હવે ૧૦ મી મેએ કોંગ્રેસ કરશે મંથન

કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક સોમવારે યોજાશે : જેમાં ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મળેલી હાર પર મંથન થશેઃ આસામ, કેરળ અને પુડુચેરીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો, તો પશ્ચિમ બંગાળમાં ખાતું પણ ન ખૂલ્યું : એકમાત્ર તમિળનાડુમાં દ્રમુકની આગેવાનીમાં તેના ગઠબંધનને જીત મળી છે

નવી દિલ્હી,તા.૮: કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબલ્યુસી)ની બેઠક સોમવારે યોજાશે, જેમાં ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામો પર મંથન કરવામાં આવશે. પાર્ટી સૂત્રોએ ગઇ કાલેે આ જાણકારી આપી. આસામ અને કેરળમાં સત્ત્।ા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. તો, પશ્ચિમ બંગાળમાં તેનું ખાતુ પણ ન ખૂલી શકયું.

પુડુચેરીમાં પણ તેને કારમી હારનો સામનો કરવો પડ્યો કે જયાં થોડા મહિના પહેલા સુધી તે સત્ત્।ામાં હતી. તમિળનાડુમાં તેના માટે રાહતની વાત રહી કે, દ્રમુકની આગેવાનીવાળા તેના ગઠબંધનને જીત મળી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને 'નિરાશાજનક' જણાવતા કહ્યું કે, આ હારથી બોધપાઠ લેવાની જરૂર છે.

તેમણે કોંગ્રેસની ચૂંટણીમાં હારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'સૌથી કમનસીબ વાત છે કે, બધા રાજયોમાં અમારું પ્રદર્શન નિરાશાનજક રહ્યું છે અને હું એ કહી શકું છે તે અપેક્ષિત ન હતું.'

સોનિયાએ કહ્યું કે, 'ચૂંટણીના પરિણામોની સમીક્ષા માટે ટૂંકમાં જ સીડબલ્યુસીની બેઠક થશે, પરંતુ એ કહેવું પડશે કે એક પાર્ટી તરીકે સામૂહિક રીતે અમારે પૂરી વિનમ્રતા તેમજ પ્રામાણિકતાની સાથે આ ઝટકામાંથી યોગ્ય શીખ લેવી જોઈએ.'

સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં જીત માટે અનુક્રમે મમતા બેનર્જી, એમકે સ્ટાલિન અને લેફ્ટ પાર્ટીઓને અભિનંદન આપ્યા.

ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના નિરાશાજનક દેખાવ પર કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસની ઢીલી વ્યવસ્થા જ છે, જેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી પણ તેના હાથમાંથી નીકળી ગયું. તેમણે કહ્યું કે, હવે જયારે પાર્ટી તરફથી અવાજ ઉઠાવાઈ રહ્યો છે, તો આ મામલે ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, હવે તેઓ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર કોઈ ટિપ્પણી નહીં કરે. તેમણે કહ્યું કે, યોગ્ય સમય આવશે ત્યારે આ મુદ્દે તેઓ વાત કરશે.

(10:00 am IST)