Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મેટલ શેરોમાં તેજીનો તોખાર, સેન્સેક્સ ૨૫૭ પોઈન્ટ અપ

શેરબજારમાં સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે તેજીની ચાલ : નિફ્ટીમાં પણ ૯૮ પોઈન્ટનો ઊછાળો, પીએસયુ બેંક સિવાયના તમામ સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા

મુંબઈ, તા. ૭ : સ્થાનિક સ્ટોક બજારો સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૨૫૬.૭૧ પોઈન્ટના વધારા સાથે ૪૯,૨૦૬.૪૭ ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી ૯૮.૩૫ પોઇન્ટના વધારા સાથે ૧૪,૮૨૩.૧૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો પીએસયુ બેંક સિવાયના તમામ સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી મેટલમાં ચાર ટકાનો ઉછાળો જોવાયો હતો. ટાટા સ્ટીલના શેરમાં એનએસઈ નિફ્ટી પર સૌથી વધુ ૭.૫૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય હિંડાલ્કો, જેએસડબ્લ્યુસ્ટીલના શેરમાં પણ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય અદાણી પોર્ટ્સ અને એસબીઆઇ લાઇફના શેરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

બીજી તરફ ટાટા કન્ઝ્યુમરના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આઇશર મોટર્સ અને યુપીએલના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા છે.

બીએસઈ સેન્સેક્સ પર એચડીએફસીના શેરમાં સૌથી વધુ ૨.૭૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ભારતી એરટેલ, આઇટીસી, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી બેંક, એસબીઆઇ, ટીસીએસ, મારૂતિ, ટાઇટન, લાર્સન અને ટુબ્રો, નેસ્લે ઇન્ડિયા, ડોક્ટર રેડ્ડીઝ, એક્સિસ બેંક, એશિયન પેઇન્ટ્સ , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેક્ન, એચસીએલ ટેક, સન ફાર્મા અને ટેક મહિન્દ્રા લીલા નિશાન પર બંધ રહ્યા હતા.

તે જ સમયે, બજાજ ઓટો, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક, પાવરગ્રિડ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે. રિલાયન્સ સિક્યોરિટીઝના વડા (વ્યૂહરચના) વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, સ્થાનિક શેરબજારમાં સકારાત્મક વૈશ્વિક સંકેતો અને સતત નાણાકીય (પીએસયુ બેંકને બાદ કરતા) અને મેટલ શેરોમાં સતત ખરીદી ચાલુ રહી છે.

એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો શાંઘાઈ અને હોંગકોંગના બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે. તે જ સમયે, ટોક્યો અને સિઓલમાં બજાર મજબૂત હતું. બપોરના સત્રમાં યુરોપના શેર બજારો બંધ રહ્યા હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઈલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં ૦.૨૫ ટકાના ઘટાડા સાથે, બેરલ ઇં ૬૭.૯૨ પર ટ્રેડ કરી રહ્યું છે.

 

(12:00 am IST)