Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પછાત મતને તોડવા ભાજપે નાની નાની ટુકડીઓ બનાવી

આજમગઢમાં માયાવતીના ભાજપ પર પ્રહારો : પાંચ ચરણની ચુંટણી બાદ હવે જય ભીમ કહેનારની જીત થઈ રહી છે તેવા સંકેત મળ્યા છે : શિવપાલ યાદવ ઉપર પ્રહારો

આજમગઢ, તા. ૮ : બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ આજે ભારતીય જનતા પાર્ટી પર પછાત વર્ગના મત વિભાજિત કરવા માટે જુદા જુદા નાના નાના સંગઠન બનાવવાનો આક્ષેપ કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે મત વિભાજન માટે ભારતીય જનતા પાર્ટીએ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવના ઘરમાં પણ લૂંટફાટ ચલાવી દીધી છે. માયાવતીએ આજમગઢમાં સપા અને બસપાની સંયુક્ત રેલીમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૦૭માં બસપ દ્વારા સામાજિક ભાઈચારાના આધાર પર સરકાર બનાવવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ અતિ પછાત જાતિઓના કેટલાક લોકોને પકડી લીધા હતા અને પછાત વર્ગના મતને વિભાજિત કરવા માટે તેમની જુદી જુદી પાર્ટીઓ બનાવી હતી. હવે જ્યારે લોકસભા અને વિધાનસભાન ચુંટણી યોજાય છે ત્યારે ભારતય જનતા પાર્ટી તેમનામાંથી કેટલીક પાર્ટીઓને પૈસા આપીને બેસાડી દે છે અથવા તો એક બે સીટો આપી દે છે. આના બદલામાં તેમના સમાજના મત હાંસલ કરી લેવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે હવે ભાજપે અખિલેશ યાદવના ઘરમાં પણ લૂંટફાટ ચલાવી દીધી છે. માયાવતીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપે જ શિવપાલને ઉભા કરી દીધા છે. શિવપાલ યાદવને તોડીને તેમની જુદી પાર્ટી બનાવી દીધી છે. જ્યાં ભાજપના ઉમેદવાર છે ત્યાં સપાના વોટને કાપવા માટે શિવપાલના ઉમેદવાર પણ ઉભા કરાવી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં જેટલા પણ દલિત બંધુઓના નાના સંગઠનો છે તેઓ ભાજપને મત વિભાજન માટે બનાવવામાં આવ્યા છે. તેમનાથી અંતર રાખવાની જરૂર છે. ગઠબંધનની જીતનો દાવો કરતા માયાવતીએ કહ્યું હતું કે પ્રદેશમાં હજુ સુધી પાંચ તબક્કાની ચુંટણીમાં ગઠબંધનની તરફેણમાં મોટાપાયે મતદાન થયું છે. બસપ પ્રમુખે દેશના દલિતો અને પછાતોના ઉથ્થાનમાં ભીમરાવ આંબેડકરની પ્રશંસા કરતા કહ્યું હતું કે પાર્ટીએ સમગ્ર દેશમાં ઉલ્લેખનિય કામગીરી અદા કરી છે. આ વખતની ચુંટણીમાં અમારા લોકો નમો નમો વાળાની હકાલપટ્ટી કરવા માટે તૈયાર થઈ ચુક્યા છે. જય ભીમ કરનાર લોકોને લાવવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. આજમગઢથી અખિલેશની સામે મેદાનમાં રહેલા ભોજપુરી સુપર સ્ટાર દિનેશલાલ નિરહુઆને પરાજિત કરવા માટે અપીલ કરી હતી. આ વ્યક્તિ ભવિષ્યમાં ચુંટણી લડવા હિંમત ન કરી શકે તે રીતે પરાજિત કરવા માયાવતીએ અપીલ કરી હતી. આંબેડકરના કારણે જ દલિતો અને મુસ્લિમો સુરક્ષિત રહેલા છે. માયાવતીએ ફરી એકવાર લઘુમતી કાર્ડ રમ્યું હતું.

(7:39 pm IST)