Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

દિલ્હીમાં ત્રિકોણીય જંગથી ભાજપને સીધો ફાયદો થશે

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ફટકો પડશે : ૨૦૧૪ની ચુંટણીમાં ભાજપે સાત સીટો પર જીત મેળવીને સપાટો બોલાવ્યો : મત વિભાજનથી ભાજપને મોટો ફાયદો

નવી દિલ્હી, તા. ૮ : દિલ્હીમાં ૨૦૧૫માં વિધાનસભા ચુંટણીમાં નવી પાર્ટી  બનેલી આમ આદમી પાર્ટીએ જ્યારે ભાજપના વિજયરથને રોકીને ૬૭ સીટો પર જીત મેળવીને સપાટો બોલાવ્યો ત્યારે દેશભરના તમામ લોકો અને રાજકીય પંડિતો પણ હેરાન હતા. હવે ચાર વર્ષ બાદ લોકસભા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કેજરીવાલની પાર્ટી ભારે પરેશાન દેખાઈ રહી છે. ૧૨મી મેના દિવસે દિલ્હીમાં યોજાનાર મતદાન તેના માટે એક પરીક્ષા સમાન છે. ૨૦૧૪ની સામાન્ય ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરીને તમામ સાતેય સીટો જીતી હતી. છેલ્લા બે મહિનાના ગાળામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક બેઠકો ગઠબંધનને લઈને યોજાઈ હતી પરંતુ મતભેદોને કારણે ગઠબંધનની રચના થઈ શકી ન હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એમ કહી રહ્યા હતા કે ભાજપને પરાજિત કરવા માટે પંજાબની ૧૩, હરિયાણાની ૧૦, દિલ્હીની સાત, ગોવાની બે અને ચંદીગઢની એક સીટ પર ગઠબંધન કરવાની જરૂર છે. જોકે કોંગ્રેસે માત્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટનું કહેવું છે કે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢની ૧૮ સીટો પર ગઠબંધનની સ્થિતિ હતી. છેલ્લે પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જુદી જુદી રીતે ચુંટણી લડી રહ્યા છે. હવે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને છે. સ્થિતિને લઈને રાજકીય પંડિત ચંદ્રભાન કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવાની સ્થિતિમાં ભાજપને નુકસાન થયું હોત પરંતુ આવું ન થવાની સ્થિતિમાં  ભાજપને મોટો ફાયદો થશે. જીતની તેની તકો વધી ગઈ છે. ૨૦૧૪ના મત હિસ્સાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ દેખાઈ રહી છે. ૨૦૧૪માં ભાજપને ૪૬.૬ ટકા મત મળ્યા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ૩૩.૧ અને કોંગ્રેસને ૧૫.૨ ટકા મત મળ્યા હતા. હવે ત્રિકોણીય મુકાબલો હોવાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સ્થિતિ વધારે મુશ્કેલરૂપ બની શકે છે. બંને પો પોતાની કોર વોટ બેંક ધરાવે છે પરંતુ બંનેની વોટ બેંક એકસમાન દેખાઈ રહી છે. બંને પાર્ટી મુસ્લિમ, ઝુંપડપટ્ટીમાં રહેનાર ગરીબો અને મિડલ ક્લાસના એક નાના વર્ગ વચ્ચે ટક્કર ધરાવે છે. આ વોટ સમિકરણના પરિણામ સ્વરૂપે આમ આદમ પાર્ટીએ ૫૪ મતની સાથે ૬૭ ટકા સીટ પર કબજો જમાવ્યો હતો. જ્યારે ભાજપને ૩૨ ટકા અને કોંગ્રેસને ૧૦ ટકા મત મળ્યા હતા.

 

(7:37 pm IST)