Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

RILના શેરમાં ત્રણ દિવસમાં સાત ટકાનો નોંધપાત્ર ઘટાડો

શેરમાં આઠ સપ્તાહની નીચી સપાટી જોવા મળી : કારોબારના અંતે ત્રણ ટકાનો ઘટાડો રહેતા ભારે નિરાશા

મુંબઈ, તા. ૮ : શેરબજારમાં આજે આરઆઈએલના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. હેવીવેઈટ ગણાતા આરઆઈએલમાં ઘટાડાના લીધે સેન્સેક્સમાં ૧૫૩ પોઈન્ટનો ઘટાડો માત્ર આરઆઈએલના કારણે થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં આજે આઠ સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. આ શેરમાં છેલ્લા ત્રણ કારોબારી દિવસોમાં સાત ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. આજે દિવસના અંતે બીએસઈમાં તેના શેરની કિંમત ૧૨૯૯.૪૫ રૂપિયા રહી હતી. એટલે કે તેમાં આજે ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. વોડાફોન-આઈડિયાની પણ આવી સ્થિતિ થઈ છે. આના શેરમાં આજે ૧૨ ટકાનો ઘટાડો રહ્યો છે. બીએસઈમાં છેલ્લા બે કારોબારી દિવસોમાં તેના શેરમાં ૧૭ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ટ્રેડિંગ વોલ્યુમાં બે ગણો વધારો નોંધાયો હોવા છતાં તેના શેરની હાલત પણ કફોડી બનેલી છે. આ શેરની કિંમત આજે સાત ટકા ઘટીને ૧૪.૩૫ રૂપિયા રહી હતી. આનાથી અંદાજ લગાવી શકાય છે કે કેટલાક શેરની કિંમતમાં કેટલો ઘટાડો થઈ ચુક્યો છે. હેવીવેટ, આરઆઈએલના શેર પર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે.

(7:34 pm IST)