Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આચાર સંહિતા મામલો

મોદી-શાહ વિરૂધ્ધ કોંગ્રેસની પિટિશન સુપ્રીમે ફગાવી

પીએમ-બીજેપી અધ્યક્ષ વિરૂધ્ધની ફરિયાદ પર ચુંટણીપંચ નિર્ણય કરી ચુકયુ છેઃ સુપ્રીમકોર્ટ

નવીદિલ્હી, તા.૮:  સુપ્રીમ કોર્ટે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ઘ આચારસંહિતા ઉલ્લંદ્યનની ફરિયાદોને લઈને ચૂંટણી પંચને નિર્દેશ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે પંચ ભાજપના નેતાઓ વિરૂદ્ઘ ફરિયાદ પર કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યાં. કોર્ટે મંગળવારે સુષ્મિતાને ચૂંટણી પંચના નિર્ણયનો રેકોર્ડ દાખલ કરવાની મંજૂરી આપી હતી.

સુષ્મિતાના વકીલ અભિષેક મનુ સિંદ્યવીએ કોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણી પંચે આ ફરિયાદોને ઉકેલી દીધી છે, પરંતુ મામલો અહીં જ ખતમ નથી થતો. જેને સુપ્રીમ કોર્ટને વિસ્તારથી જોવા અને ગાઈડલાઈન જાહેર કરવાની જરૂર છે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે તેઓએ આચારસંહિતાના ઉલ્લંદ્યન મામલે મોદી શાહ વિરૂદ્ઘ ૯ ફરિયાદો કરી પરંતુ તેના પર કોઈ જ કાર્યવાહી થઈ નથી.

મોદીને ૮મી વખત ચૂંટણી પંચે કિલન ચીટ આપીઃ ચૂંટણી પંચે આચારસંહિતાના ઉલ્લંદ્યન મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત કિલન ચીટ આપી છે. મોદીએ એક રેલીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર ૧ કહ્યું હતું તેના વિરોધમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જોકે ચૂંટણી પંચે તેને આચારસંહિતાનું ઉલ્લંદ્યન નથી માન્યું. ૨૩ એપ્રિલે અમદાવાદમાં મતદાન દરમિયાન મોદીનો રોડ શો અને ૯ એપ્રિલે ચિત્રદુર્ગમાં બાલાકોટમાં એર સ્ટ્રાઈકના ઉલ્લેખને પણ ચૂંટણી પંચે કિલન ચીટ આપી છે. કોંગ્રેસ અત્યાર સુધી મોદી અને અમિત શાહ વિરુદ્ઘ ૯ વખત ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

બીજી બાજુ રાજીવ ગાંધીના નિવેદન વિશે દિલ્હી વિશ્વવિદ્યાલયના ટીચર્સ પણ બે ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે. એક પક્ષમાં ૨૦૦થી વધારે ટીચર્સે મોદીના નિવેદનને ખોટું અને અપમાનજનક માન્યું છે. જયારે બીજુ એક ગ્રૂપ મોદીના પક્ષમાં છે. અંદાજે ૧૨૫ ટીચર્સે રાજીવ ગાંધીને ભ્રષ્ટ વડાપ્રધાન માન્યા છે. મોદી વિરુદ્ઘ નિંદા પત્રમાં ડીયૂ ટીચર્સ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ આદિત્યનારાયણ મિશ્રાની સહી પણ છે. આ પહેલાં મોદીએ મંગળવારે કોંગ્રેસ અને તેમના સહયોગી દળને ચેલેન્જ આપી હતી કે, જો તેમનામાં દમ હોય તો તેઓ બાકીના બે તબક્કાની ચૂંટણી પૂર્વ વડાપ્રધાનના માન-સન્માન અને બોફોર્સના મુદ્દે લડી લે. ખબર પડી જશે કે કોનામાં તાકાત છે.

(3:05 pm IST)