Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મસુદ-સઇદને પાકિસ્તાને ભુગર્ભમાં ઉતારી દીધા

બંને ત્રાસવાદીઓ જાહેરમાં દેખાતા બંધ થયા

નવી દિલ્હી તા. ૮ :.. પોતાને ત્યાં ઉભા થયેલા આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવા બાબતે પાકિસ્તાન દુનિયાને ઘણીવાર છેતરી ચુકયું છે. આ વખતે પણ સંયુકત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા પછી પાકિસ્તાન સરકારે અઝહર અને તેના સંગઠન જૈશ એ મુહમ્મદ વિરૂધ્ધ જે પગલા લેવાની જાહેરાત કરી છે શું તે પણ દુનિયાને છેતરવા માટે છે ?  છેલ્લા એક  અઠવાડીયાની પાકિસ્તાની એજન્સીઓની ગતિવિધીઓ પર નજર નાખીએ તો સ્પષ્ટ થઇ જાય છે કે તેમના તરફથી અઝહર વિરૂધ્ધ કાર્યવાહી કરવા અંગેએક અધિસૂચના બહાર પાડવામાં આવી છે પણ તે અંગે શું નક્કર પગલા લેવાયા તેની કોઇ માહિતી નથી આપવામાં આવી. એટલું જ નહીં, બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને જૈશ સાથે સંકળાયેલા ૪૪ આતંકવાદીઓને પકડયાની જાહેરાત કરી હતી પણ તેમના પર આગળ શું કાર્યવાહી થઇ તે બાબતે અત્યાર સુધી કંઇ જ નથી કહેવામાં આવ્યું.

એટલે ભારતીય ગુપ્તચર એજન્સીઓને શક છેકે આ વખતે પણ કયાંક પાકિસ્તાન સરકાર પહેલાની જેમ જ કાર્યવાહીનો દેખાડો ન કરતા હોય. ગુપ્તચર એજન્સીઓના સુત્રોનું કહેવું છે કે અત્યાર સુધી જે માહિતી મળી છે તેના અનુસાર મસૂદ અઝહર અને તેની સાથે સંકળાયેલ બધા સંગઠનોનું કામકાજ અત્યારે તો બિલકુલ બંધ છે. અઝહર જ નહીં પણ સંયુકત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી  જાહેર કરવામાં આવેલ હાફીઝ સઇદ પણ છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં નથી જોવામાં આવ્યો.

સુત્રોનું કહેવું છે કે પહેલની જેમ આ વખતે પણ જો પાકિસ્તાન દુનિયાને છેતરવાનો પ્રયત્ન કરશે તો તેને બહુ મોંઘુ પડવાનું છે. કેમ કે અત્યારે પાકિસ્તાન પર ફાઇનાન્સીયલ ટાસ્ક ફોર્સની તલવાર લટકી રહી છે. આવતા મહીને એફટીએફ પાકિસ્તાન તરફથી આતંકવાદીઓના ફંડીંગને રોકવા માટે લેવાયેલ પગલાની સમીક્ષા કરશે. જો એફ. ટી. એફ. તેને બ્લેક લીસ્ટમાં મુકશે તો પાકિસ્તાની અર્થ વ્યવસ્થાને મોટો ધકકો લાગવાની શકયતા છે.

(11:33 am IST)