Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મધ્યપ્રદશેની રાજધાની ભોપાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં કોમ્પ્યુટર બાબા સહિતના સાધુ-સંતોની ફૌજ

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ લોકસભા સીટ પરથી લોકસભા ચૂંટણી 2019 લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં હવે સાધુ-સંતોની ફોજ પણ આવી ગઈ છે. આ સાધું-સંતોનું સમર્થન પણ તેમને ભૂતપૂર્વ શિવરાજ સિંહની સરકારમાં મંત્રી રહી ચૂકેલા કમ્પ્યૂટર બાબાના પ્રતાપે મળી રહ્યું છે. હકીકતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય પદ માટે ટિકિટની માગ કરી ચૂકેલા કમ્પ્યૂટર બાબાને ભાજપ તરફથી કોઈ સંકેત મળતા ન હતા. આથી કમ્પ્યૂટર બાબાએ ભાજપને બાય-બાય કહી દીધી હતી. ત્યાર પછી હવે કમ્પ્યૂટર બાબા ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે આ જ ક્રમમાં તેઓ 7 હજાર સાધુ-સંતોની ફોજ લઈને દિગ્વિજય સિંહના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

કમ્પ્યૂટર બાબા અત્યારે દેશભરમાં 7 હજારથી વધુ સાધુ-સંતો સાથે મળીને હવન-યજ્ઞ કરી રહ્યા છે. બોપાલના કોહેફિઝા વિસ્તારમાં આવેલી સેફિયા કોલેજ ગ્રાઉન્ડમાં સાધુ સંતોનો મેળાવડો જામ્યો છે અને તેઓ અલગ-અલગ જગ્યાએ ધૂણી ધખાવીને બેઠા છે.  તેઓ દિગ્વિજય સિંહના વિજય માટે હવન કરી રહ્યા છે.

આ સાધુ સંતો 7,8 અને 9 મે સુધી ભોપાલમાં દિગ્વિજય સિંહના વિજય માટે ધુણી ધખાવશે અને યજ્ઞ પણ કરશે. આટલું જ નહીં તેઓ દિગ્વિજય સિંહના સમર્થનમાં ચૂંટણી પ્રચાર પણ કરવાના છે.

બધા જ સાધુ સંતો ભેગા મળીને 7 મેની સવારે 'હઠ યોગ'ની સાથે અનુષ્ઠાન કરશે. 8 મેના રોજ ભોપાલમાં શોભાયાત્રા કાઢશે. 9 મેના રોજ તેઓ જનતાને દિગ્વિજય સિંહને વિજય અપાવા માટે અપીલ કરશે.

દેશભરમાં આવેલા સાધુ સંતોને કમ્પ્યુટર બાબાએ જણાવ્યું કે, "ભાજપની સરકારે પાંચ વર્ષમાં રામ મંદિર બનાવ્યું નથી. હવે, રામ મંદિર નહીં તો મોદી પણ નહીં."

કમ્પ્યૂટર બાબાએ દેશભરમાંથી 7 હજાર કરતાં પણ વધુ સાધુ સંતોને બોલાવ્યા છે. તેઓ ભોપાલમાં એક કોલેજના મેદાનમાં ડેરા-તંબુ નાખીને બેઠા છે.

તેમણે સાધુ સંતો સમક્ષ કરેલા ભાષણમાં ભાજપના ભોપાલ સીટના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને પણ નિશાન બનાવ્યા હતા. કમ્પ્યૂટર બાબાએ સાધ્વીને રાવણ તો શિવરાજ સિંહને શકુની મામા કહ્યા હતા.

વિધાનસભા ચૂંટણી દરમિયાન કમ્પ્યૂટર બાબાએ ધારાસભ્ય પદ માટે ભાજપ પાસે ટિકિટ માગી હતી. ટિકિટ ન મળતાં કમ્પ્યૂટર બાબા ભાજપથી નારાજ થઈ ગયા અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા લાગ્યા અને નિવેદનો પણ આપ્યા હતા. આથી, તેમને પાર્ટીમાં દરકિનાર કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)