Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સરકારી મહેમાન

સિક્કીમના CM ચામલિંગના શાસનનો રેકોર્ડઃ શરીર ભલે વૃધ્‍ધ હોય, મારૂ મગજ જવાન છે!

ભારતમાં કોઇ પાર્ટીની સરકાર વર્ષો સુધી શાસન કરી શકે છે પરંતુ તેના મુખ્‍યમંત્રી બદલતા રહે છે. જાણીને આヘર્ય થશે કે સિક્કીમના મુખ્‍યમંત્રી પવન કુમાર ચામલિંગ એ લગાતાર ૨૩ વર્ષનું શાસન આપ્‍યું છે. સિક્કીમ ડેમોક્રેટીક ફ્રન્‍ટના તેઓ નેતા છે. ૧૯૯૪માં તેઓ સત્તામાં આવ્‍યા હતા. તેમની હાલની ઉંમર ૬૭ વર્ષની છે. પશ્ચિમ બંગાળના તત્‍કાલિન મુખ્‍યમંત્રી જયોતિ બસુ ૧૯૭૭ થી ૨૦૦૦ સુધી મુખ્‍યમંત્રી રહી ચૂક્‍યાં છે અને સૌથી વધુ શાસન કરવાનો તેમનો રેકોર્ડ હતો જે સિક્કીમના મુખ્‍યમંત્રીએ તોડી નાંખ્‍યો છે. જયોતિ બસુ પાંચમી ટર્મ એટલે કે શાસનની સિલ્‍વર જયુબિલી કરી શક્‍યા હોત પરંતુ નાદુરસ્‍ત તબિયતના કારણે તેમણે હોદ્દો છોડીને બુદ્ધદેવ ભટ્ટાચાર્યને આપી દીધો હતો. ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્ર મોદી સતત ૧૨ વર્ષ સુધી રહ્યાં છે. ગુજરાતમાં તેમનો આ રેકોર્ડ છે અને તે હાલમાં કોઇ તોડી શકે તેમ નથી. પવન ચામલિંગે પોતાનો પાંચમો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમણે આ સિદ્ધિ મેળવ્‍યા પછી કહ્યું હતું કે હું પヘમિબંગાળના મુખ્‍યમંત્રી જયોતિ બસુને નમન કરૂં છું. તેઓ એક મહાન રાજનેતા હતા. મારૂં શરીર ભલે વૃદ્ધ થઇ ગયું હોય પરંતુ મારૂં મગજ હજી જવાન છે.

ગુજરાતના મેટ્રોરેલના પ્રોજેક્‍ટમાં શ્રીધરન જોઇશે...

ભારતમાં ૧૦ મેટ્રોરેલ હાલના તબક્કે ઓપરેશન બની છે જેમાં કોલકત્તા, દિલ્‍હી, નમ્‍મા, ગુરગાવ, મુંબઇ, જયપુર, ચેન્નાઇ, કોચી. લખનૌ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. અમદાવાદ સહિત નાગપુર, નોઇડા, નવી મુંબઇ અને પૂને મેટ્રોરેલ ઓનગોઇંગ છે. આશ્ચર્યની બાબત એવી છે કે અમદાવાદ મેટ્રોનું ઉદ્દધાટન જાન્‍યુઆરી ૨૦૧૮માં થવાનું હતું પરંતુ આ ડેઇટ પાછી ઠેલાઇ છે. ભારતમાં બીજી ૧૬ મેટ્રોરેલનું પ્‍લાનિંગ ચાલી રહ્યું છે જેમાં સુરતનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજી ચાર મેટ્રો માટે પ્રપોઝ કરવામાં આવેલું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્‍ચે મેટ્રોરેલ શરૂ કરવાની યોજના ૨૦૦૩માં શરૂ કરવામાં આવી હતી પરંતુ વિલંબ થતાં વર્ષો નિકળી ગયા છે. એ સમયે તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ મેટ્રોની જગ્‍યાએ બીઆરટીએસનો નિર્ણય કર્યો છે તે સરવાળે મોંઘો અને કષ્ટદાયક સાબિત થયો છે. અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્‍ટ અક્ષમ્‍ય વિલંબથી ચાલી રહ્યો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે વિધાનસભાની ચૂંટણી પહેલાં છ કિલોમીટરનો રૂટ શરૂ થઇ જશે પરંતુ હવે તે ૨૦૧૯ના વર્ષમાં શરૂ થાય તેવું લાગી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાતને શ્રીધરન જેવા મેટ્રોમેનની આવશ્‍યકતા છે કે જેમણે દિલ્‍હી મેટ્રોરેલનું નિર્માણ કરાવીને ભારતને ગૌરવ અપાવ્‍યું છે.

પાણી માટે ચાર વખત વચન અપાઇ ચૂક્‍યાં છે...

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા જળસંચય અભિયાનની શરૂઆત ૧૯૯૮માં શરૂ કરવામાં આવી હતી. આ સમયે કેશુભાઇ પટેલનું શાસન હતું. તેમણે પાણી માટે નર્મદા યોજનાની કેનાલો તેમજ ખેતતલાવડી અને ચેકડેમનું નિર્માણકાર્ય શરૂ કરાવ્‍યું હતું. આજે પણ આ કામ ચાલી રહ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા પાણીની નવા સ્ત્રોત ઉભા કરવાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી ચાલે છે. આપણા શાસકોએ નર્મદા કેલાલોનું કામ થયા પછી એવું કહ્યું હતું કે આપણે દુષ્‍કાળને દેશવટો આપી દીધો છે. ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજના પછી તેમજ સૌરાષ્ટ્રની સૌની યોજના પછી પણ એવું કમિટમેન્‍ટ કર્યું હતું કે ગુજરાતને પાણીની તંગી ક્‍યારેય નહીં પડે. આવું જ વચન જયારે નર્મદા ડેમ પૂર્ણ થયો ત્‍યારે કરવામાં આવ્‍યું હતું. હવે ફરી એકવાર ભાજપની સરકારે કહ્યું છે કે જળસંચય અભિયાનના કારણે આપણે દુષ્‍કાળને દેશવટો આપી શકીશું. આ અભિયાન હેઠળ સરકારે ચેકડેમ અને તળાવો ઉંડા કરવાની પ્રવૃત્તિ શરૂ કરી છે પરંતુ નક્કર વાસ્‍તવિકતા એ છે કે સરકારના વચનો ઠાલાં નિવડ્‍યાં છે. લોકોને પાણી નસીબ નથી. સરકારે એવું પણ નક્કી કર્યું હતું કે કોઇપણ ઇમારત બને ત્‍યારે પહેલું કામ જળસંચયનું કરવું ફરજીયાત છે પરંતુ અહીં તો ઇમારતો બને છે પરંતુ જળસંચય થતું નથી. કોઇપણ બિલ્‍ડર રિસાર્જીંગ વેલ બનાવતો નથી. આને કહેવાય- ‘વચનેસુ કિમ દરિદ્રતા'

 ગાડી ક્‍યાં પાર્ક કરવી તે આજની મોટી સમસ્‍યા...

ગુજરાતમાં નવી ઇમારતોનું નિર્માણ થાય છે પરંતુ તેમાં બેઝમેન્‍ટનો કાયદો હોવા છતાં બનાવવામાં આવતા નથી અને જો કાયદા પ્રમાણે બનાવ્‍યા હશે તો તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ રહી છે અને વાહનો બહાર રોડપર પાર્ક કરવામાં આવી રહ્યાં છે. સરકારના કઠોર કાયદા માત્ર ટેક્‍સિસ ઉઘરાવવામાં છે પરંતુ સરકાર પાર્કિંગની સમસ્‍યાનો ઉકેલ લાવી શકતી નથી. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે એવો આદેશ કરવો જોઇએ કે જે કોમર્શિયલ તેમજ રેસિડેન્‍શિયલ ઇમારતોમાં પાર્કિંગની સુવિધા છે તેમણે તેમના પાર્કિંગ ખાલી કરીને વાહનોના પાર્કિંગ માટે અનામત કરી દેવા જોઇએ. એવી જ રીતે જેમની પાસે પાર્કિંગ નથી તેમને ફરજીયાત પાર્કિંગનો આદેશ કરી નિયમબદ્ધના કડક પગલાં લેવા જોઇએ. ગુજરાતમાં માત્ર અમદાવાદ જેવા મોટા શહેરમાં પાર્કિંગની સમસ્‍યા છે તેવું નથી. રાજયના નાના શહેરોમાં પણ પાર્કિંગનો ઇસ્‍યુ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતો જાય છે. સરકારે અત્‍યારે ચેતી જવાની જરૂર છે અન્‍યથા શહેરોમાં કોઇપણ વ્‍યક્‍તિ વાહન ચલાવી શકશે નહીં.

વૈશ્વિક જાહેર દેવું ભીષણ મંદી લાવી શકે તેમ છે...

જાણીને નવાઇ લાગશે કે વિશ્વના દેશોનું દેવું વધીને ૧૬૪ ટ્રિલિયન ડોલર એટલે કે ૧૬૪ લાખ કરોડ ડોલરના રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયું છે. જો આ દેવાને ભારતીય રૂપિયામાં કન્‍વર્ટ કરીએ તો તેની રકમ ૧૦૬૬૦ લાખ કરોડ રૂપિયા થાય છે. ઇન્‍ટરનેશનલ મોનિટરી ફંડ - આઇએમએફ એ ચેતવણી આપી છે કે દેવાંનો આ ટ્રેન્‍ડ એટલો ખતરનાક છે કે બઘાં દેશોની નાણાકીય સ્‍થિતિ વધારે લથડશે અને દેવું ભરવાની મુશ્‍કેલી ઉભી થશે. દુનિયા ભીષણ મંદીમાં આવી શકે છે. ભારતના જાહેર દેવાંના આંકડા પણ ચોંકાવનારા છે. ભારતમાં ૨૦૧૮ની સ્‍થિતિએ ૧૯૧૮.૮૨ બિલિયન યુએસ ડોલરનું દેવું છે જે ૨૦૧૯માં ૨૦૯૬.૧૩ બિલિયન યુએસ ડોલર અને ૨૦૨૨ સુધીમાં ૨૭૩૪.૬૫ બિલિયન યુએસ ડોલર થઇ શકે તેવું અનુમાન છે. એકલા ગુજરાત સરકારના આંકડા જોઇએ તો આ વર્ષના અંતે એટલે કે માર્ચ ૨૦૧૯ સુધીમાં રાજયનું જાહેર દેવું ૩ લાખ કરોડને પાર હશે, જે અત્‍યારે ૨૩૮૭૦૨ કરોડ છે.

આપણાં ધારાસભ્‍યો બિચારા-બાપડાં બની ગયા છે...

ઉતર્યો અમલદાર કોડી નો... એ ઉક્‍તિ ઓફિસરોને લાગુ પડે છે તેમ રાજનેતાઓને પણ લાગુ પડતી હોય છે. ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્‍યોની હાલત જોઇએ તેટલી સારી નથી. જે લોકો આર્થિક રીતે સમૃદ્ધ હતા તેમને અને તેમના પરિવારને મુશ્‍કેલી નથી પરંતુ જેમણે માત્ર રાજનીતિને જ વિષય બનાવ્‍યો હતો અને ગુજરાતની સાચી સેવા કરી છે તેમને પરિવારના ભરણપોષણની ચિંતા સતાવે છે. રાજયમાં હાલની સ્‍થિતિએ ૧૨૦૦ જેટલા ભૂતપૂર્વ ધારાસભ્‍યો છે તેમને અત્‍યારે સરકાર કોઇ આર્થિક મદદ કરતી નથી તેવો દાવો તેઓએ કર્યો છે. આપણે ભારતમાં લોકસભાના ભૂતપૂર્વ સભ્‍યોને પેન્‍શન આપવામાં આવે છે પરંતુ ધારાસભ્‍યોને તે મળતું નથી તેથી ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્‍યો પેન્‍શનના લાભ પણ માગી રહ્યાં છે. એક્‍સ એમએલએ કાઉન્‍સિલના અધ્‍યક્ષ હાલ બાબુભાઇ મેઘજી શાહ છે તેમણે ગુજરાત સરકાર પાસે કાઉન્‍સિલના સભ્‍યો માટે ૧૦ હજારનું પેન્‍શન તેમજ રેલ્‍વેમાં મફત મુસાફરી કરી આપવાની માગણી કરી છે. આ પહેલાં ગુજરાતમાં કાઉન્‍સિલના અધ્‍યક્ષ જયારે શંકરલાલ ગુરૂ હતા ત્‍યારે તેઓ તેમના સભ્‍યો માટે સતત લડતા હતા અને હવે આ સ્‍થાન બાબુભાઇ શાહે લીધું છે કે જેઓ ગુજરાતના નાણામંત્રી પણ રહી ચૂક્‍યાં છે. સરકારે સર્વે કરીને આર્થિક રીતે નબળાં ભૂતપૂર્વ ધારાસભ્‍યોને આર્થિક અને સામાજીક મદદ કરવી જોઇએ તેવું કાઉન્‍સિલ માને છે.

 લેબલ ગુડગવર્નન્‍સનું પણ અમલ બેડ ગવર્નન્‍સનો છે...

સચિવાલયમાં કામ લઇને આવતા મુલાકાતીઓની આપવિતિ સાંભળીએ આપણને સરકારની નિષ્ઠા પર ભરોસો રહેતો નથી. કોઇપણ વ્‍યક્‍તિ કામ લઇને આવે તો તેના માટે ત્રણ માર્ગો છે. એક હા, બીજું ના, ત્રીજું ચર્ચા પછી નિર્ણય. હાલ સરકારમાં આ ત્રણેય રસમોનું પાલન થતું નથી. મંત્રીશ્રી બહાર ગયા છે. અધિકારી સાહેબ મિટીંગમાં વ્‍યસ્‍ત છે. પછી આવજો... એવું કહી દેવામાં આવે છે પરંતુ તે મુલાકાતી ૨૦૦ થી ૪૦૦ કિલોમીટર દૂરથી આવે છે તેને સાંભળવાની તસદી લેવાતી નથી. કર્મયોગી અધિકારીઓ અરજદારની ફાઇલની ટ્રેકિંગ સિસ્‍ટમની વિગતો પણ આપતા નથી. ઉત્તરાખંડ જેવા રાજયમાં કામ લઈને આવેલા મુલાકાતીની ફાઇલ ક્‍યારે ક્‍યાં પહોંચી તેની જાણકારી મળે છે. મોટા ભાગના કેસોમાં હંમેશા એવું કહેવાય છે કે ફાઇલ મૂકી રાખો... હમણાં રહેવા દો... જો આવી જ માનસિકતા હોય તો લોકોના કામો ક્‍યાંથી થવાના છે તે મોટો પ્રશ્ન છે. ગુડ ગવર્નન્‍સની આ નિશાની નથી. વહીવટમાં ગુજરાત કરતાં અન્‍ય રાજયો ખૂબ આગળ નીકળી ગયાં છે. સરકારે અરજદારના કામ માટેની સમય મર્યાદા બાંધી છે છતાં તેનું પાલન થતું નથી. આ સ્‍થિતિ માટે સચિવાલયનું વહીવટી તંત્ર એકલું જવાબદાર નથી. સચિવાલયમાંથી છૂટેલા આદેશનું મહિનાઓ સુધી જિલ્લા વહીવટી તંત્ર પાલન કરતા હોતા નથી. ભ્રષ્ટાચારનો સૌથી મોટો ભય જિલ્લાના વહીવટી તંત્રમાં જોવા મળે છે. એન્‍ટી કરપ્‍શન બ્‍યૂરોની એવરેજ છે કે રોજનો એક કેસ તેઓ કરે છે.

 બદલીઓ ઘોંચમાં પડી...

સરકારના વહીવટી તંત્રમાં સિનિયર આઇએએસ ઓફિસરો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓની બદલીઓની પ્રક્રિયા ઘોંચમાં પડી હોવાના અહેવાલ છે. સરકારના મહત્‍વના વિભાગોમાં ક્‍યા ઓફિસરને મૂકવા તેનો નિર્ણય ગાંધીનગર લેવલે થઇ શકતો નહીં હોવાનું જણાય છે તેથી કેન્‍દ્રનું માર્ગદર્શન માગવામાં આવ્‍યું હોઇ શકે છે અથવા તો જળસંચય અભિયાનમાં વ્‍યસ્‍ત સરકારને ટાઇમ મળતો નથી. જયારે બદલીઓ આવશે ત્‍યારે તેની કુલ સંખ્‍યા ૭૦ને ક્રોસ કરી જાય તો નવાઇ નહીં.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(11:05 am IST)