Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

'મમતા બેગમ' અને 'મિનિ પાકિસ્તાન' વાળા નિવેદન અંગે શુભેન્દુને ચૂંટણી પંચની નોટિસ: 24 કલાકમાં જવાબ માંગ્યો

મમતા બેનર્જીને નોટિસ આપ્યા બાદ હવે ચૂંટણી પંચે શુભેંદુ અધિકારીને નોટિસ ફટકારી

કોલકતા :પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓએ એકબીજી પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા અને અનેક વખત શાબ્દિક હૂમલાઓ કર્યા. તો આ બધા અંગે ચૂંટણી પંચ કડક વલણ અપનાવી રહ્યું છે. મમતા બેનર્જીને નોટિસ આપ્યા બાદ હવે ચૂંટણી પંચે શુભેંદુ અધિકારીને નોટિસ આપી છે.

શુભેંદુ અધિકારીને 'મમતા બેગમ' અને 'મિનિ પાકિસ્તાન' વાળા નિવેદન બદલ ચૂંટણી પંચે નોટીસ આપી છે. બંગાળની નંદીગ્રામ સીટના ભાજપ ઉમેદવાર શુભેંદુ અધિકારી પાસેથી આ અંગે 24 કલાકમાં ખુલાસો માંગ્યો છે. તેમણે એક સંબોધનમાં કહ્યું હતું કે તમે 'બેગમ'ને મત નહીં આપો, પરંતુ 'મિનિ પાકિસ્તાન' માટે મત આપશો. તમારા વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમ આવી જશે. તેમણે આગળ કહ્યું હતું કે ભગવાન રામ દુર્ગા માતાની કમળના ફૂલ વડે પૂજા કરતા હતા, તમે પણ કમળને મત આપજો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મમતા બેનર્જીને પણ ચૂંટણી પંચે ધર્મના આધારે મત માટે અપીલ કરવા બદલ નોટિસ આપી છે. ભાજપે કરેલી ફરિયાદ બાદ આ નોટિસ આપવામાં આવી છે. જેને લઇને મમતા બેનર્જી ભડક્યા હતા અને કહ્યું હતું કે ચૂંટણી પંચે અત્યાર સુધીમાં દેશના વડાપ્રધાનને કેટલી નોટિસ આપી?

(12:28 am IST)