Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ફરી જોવા મળી ૨૦૨૦ની તસવીરોઃ લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોનું પલાયન

નવી દિલ્હી, તા.૮: દેશમાં ફરી એક વખત કોરોનાનો પ્રકોપ વધ્યો છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે રાજય સરકાર તરફથી ગમે ત્યારે લોકડાઉન અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આથી દેશના દિલ્હી, પુણે, મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પ્રવાસી મજૂરોએ ઘરની વાટ પકડી છે અથવા તૈયારી શરૂ કરી લીધી છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ શહેરોમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પહોંચી રહ્યા છે.

વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસનો માર સહન કરનાર એક વર્ષ પ્રવાસી મજૂરો હતા. સરકાર તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. એ દરમિયાન રેલવે, બસ સહિત તમામ પ્રકારની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે મજૂરોને ફરીથી આવું જ કંઈક થશે તેવો ડર લાગી રહ્યો છે. આ જ કારણ છે કે તેમણે હવે વતન તરફ વાટ પકડી છે. બિહારના એક મજૂરે જણાવ્યું કે, 'લોકડાઉન દરમિયાન અમે અહીં ફસાયા હતા. હવે બીજી વખત આવું ન થાય તેનાથી બચવું છે. હાલ ઘરે પરત ફરવું એ જ સારું રહેશે.'

દેશમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ૨૦ શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં તો અઠવાડિયાના અંતે લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ આગામી ૩૦ એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના અમુક વિસ્તારોમાં કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

(4:14 pm IST)