Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોવિશીલ્ડના સપ્લાયમાં મોડું થતાં એસ્ટ્રેજેનેકાએ સીરમને આપી નોટીસ

કંપની ભારતની જરૂરીયાતોને આપી રહી છે પ્રાથમિકતા

નવી દિલ્હી તા. ૮ : રસી સહિતની દવાઓ બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ) કાયદાકીય દાવપેચમાં ફસાતી દેખાઇ રહી છે. એસઆઇઆઇને બ્રિટીશ સ્વીડીશ મલ્ટીનેશનલ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ એક કાનૂની નોટીસ મોકલી છે. આ નોટીસ કોરોના રસીના સપ્લાયમાં મોડું કરવા માટે મોકલાઇ છે.

એસઆઇઆઇએ કોવીશીલ્ડ રસીનું ઉત્પાદન બમણું કરવા માટે ભારત સરકાર પાસે ગ્રાન્ટના રૂપમાં મદદ માંગી છે. ઓકસફર્ડ - એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસીત કોરોના રસીને ભારતમાં કોવીશીલ્ડ બ્રાન્ડનેમથી એસઆઇઆઇ ભારતમાં બનાવી અને વેચી રહી છે. એસઆઇઆઇના સીઇઓ અદાર પૂનાવાલાએ મંગળવારે કહ્યું કે, કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે લગભગ ૩ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે.

પૂનાવાલાએ એક ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ભારતમાં વધી રહેલી માંગના કારણે કોવીશીલ્ડની ઉત્પાદન ક્ષમતા દબાણમાં છે. કોવીશીલ્ડ રસી વધારે માત્રામાં બનાવવા માટે લગભગ ૩ હજાર કરોડ રૂપિયાની જરૂર છે. અમે ભારતીય બજારમાં લગભગ ૧૫૦ - ૧૬૦ રૂપિયામાં વેકસીન સપ્લાય કરી રહ્યા છીએ. જ્યારે રસીની સરેરાશ કિંમત લગભગ ૨૦ ડોલર (૧૫૦૦ રૂપિયા) છે. મોદી સરકારના અનુરોધ પર અમે વ્યાજબી ભાવે રસી આપી રહ્યા છીએ. એવું નથી કે અમને નફો નથી મળતો પણ અમારે વધારે નફાની જરૂર છે, જે ફરીથી રોકાણ કરવા માટે જરૂરી છે.

પૂનાવાલાએ કહ્યું કે, કંપનીએ આશા છે કે જૂનથી કોવીશીલ્ડ રસીની ઉત્પાદન ક્ષમતા દર મહિને ૧૧ કરોડ ડોઝ પર પહોંચી જશે. તેમણે કહ્યું કે, અત્યારે કંપની રોજના ૨૦ લાખ ડોઝનું ઉત્પાદન કરે છે. અમે ખાલી ભારતમાં જ ૧૦ કરોડથી વધારે ડોઝ સપ્લાય કર્યા છે અને અન્ય દેશોમાં લગભગ ૬ કરોડ ડોઝ નિકાસ કર્યા છે. તેમણે કહ્યું કે, દુનિયામાં કોઇ પણ બીજી રસી ઉત્પાદક કંપની આટલા ઓછા ભાવે રસી નથી આપી રહી.

(3:43 pm IST)