Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

તંત્ર રહી.. રહી...ને જાગ્યુ ખરુ...

કોરોનાને નાથવા હવે ડોર ટુ ડોર સર્વે

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનું કડક પાલનઃ હાલ શહેરમાં ૧૪૦૦ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત : પોઝિટિવ કેસ તથા તેના સંપર્કમાં આવેલા લોકો માટે કોરન્ટાઇનનું કડક પાલન : પોલીસની મદદ લેવાશે : સર્વે માટે આંગણ વાડી વર્કર - શિક્ષકોની મદદ લેવાશે

રાજકોટ તા. ૮ : શહેરમાં કોરોનાની બેફામ સ્થિતિને કાબુમાં લેવા હવે મ.ન.પા.નું તંત્ર રહી... રહી...ને હરકતમાં આવ્યું છે અને હવે ડોર ટુ ડોર સર્વે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી વધુ કડક બનાવવા સુચનાઓ અપાઇ છે. હાલમાં ૧૪૦૦ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

આ અંગે મ.ન.પા.ની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક ખાસ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહજી જાડેજા, નાયબ મ્યુનિ. કમિશનરો બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને  ચેતન નંદાણી તેમજ 'રૂડા'ના સી.ઈ.એ. ચેતન ગણાત્રા, તેમજ ઝોનલ સિટી એન્જિનિયરો શ્રી ગોહેલ, શ્રી ગૌસ્વામી અને શ્રી કોટક, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયર, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. માટે વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવી રહી છે.

રાજકોટમાં જે જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્યાં આવશ્યકતા અનુસાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી પીળા રંગની પટ્ટી તથા જરૂરી વિગત દર્શાવતું બેનર લગાવવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફની બનેલી સંયુકત ટીમો દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વખતોવખત ચેકિંગ કરી લોકો ત્યાંથી બહાર ના આવે તે માટે લોકોને સમજાવવા અને જરૂર પડ્યે કાયદેસર કાર્યવાહી થશે. 

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પર દેખરેખ રાખવા માટે વોર્ડ વાઈઝ રચવામાં આવી રહેલી ટીમોમાં પોલીસ ઇન્સ્પેકટર/સબ ઇન્સ્પેકટર, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જીનીયરો, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વોર્ડ વાઈઝ ટીમો પોતપોતાના વોર્ડમાં સમાવિષ્ટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની રેગ્યુલર મુલાકાત લેવામાં આવશે. લોકો નિયમોનો ભંગ ન કરે તે સુનિશ્ચિત કરવા આ ટીમો નાગરિકો સાથે સંવાદ કરવાની સાથોસાથ જરૂરિયાત મુજબ કડક કાયદેસર પગલાં પણ લેશે.

દરમિયાન મેયર પ્રદિપ ડવે જાહેર કર્યા મુજબ કોરોનાના દર્દીને શોધવા આંગણવાડી વર્કરો અને શિક્ષકોની મદદથી શહેરમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવશે.

(3:25 pm IST)