Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પ્રતિબંધો - નિયંત્રણો - કર્ફયુ વગેરેની અસર દેખાશે

કોરોના ઇફેકટ : ચૈત્રી નવરાત્રી તથા પવિત્ર રમઝાનની રોનક જોવા નહિ મળે : નિરાશા

રમઝાન ૧૩ કે ૧૪થી શરૂ : રાત્રીના દુકાનો બંધ રહેશે : વેપાર - ધંધા ઠપ્પ રહેશે

નવી દિલ્હી તા. ૮ : ૧૩ થી ૨૧ એપ્રિલ સુધી ચાલનાર ચૈત્રી નવરાત્રીમાં આ વખતે શ્રધ્ધાળુઓએ માતાના મંદિરમાં દર્શન માટે ખાલી હાથે જવું પડશે. પ્રસાદ, ફૂલ અને ધૂપ, દિવા, ચૂંદડી જેવી પૂજન સામગ્રીઓ મંદિર પરિસરમાં લઇ જવાની પરવાનગી નહીં મળે. મંદિરોમાં કોઇ વિશેષ આયોજન પણ નહીં થાય. નાઇટ કર્ફયુના કારણે મંદિરો ફકત દિવસે જ ખુલશે. મંદિર પરિસરમાં જો કોઇ વ્યકિત કોરોના અંગેના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતો દેખાશે તો તેને તરત બહાર કાઢી મુકવામાં આવશે.

ઝંડેવાલા મંદિરના પ્રભારી નંદકિશોર શેઠીએ જણાવ્યું કે, સરકારે રાતના ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધીનો નાઇટ કર્ફયુ લગાવ્યો છે. એટલે નક્કી કરાયું છે કે મંદિર સવારે ૪ વાગ્યાના બદલે છ વાગ્યે ખુલશે અને રાત્રે ૯ વાગ્યે બંધ થશે. દર્શન માટે મહિલાઓ, પુરૂષો અને દિવ્યાંગો માટે ત્રણ અલગ લાઇનો હશે. બધાએ ફરજીયાત માસ્ક પહેરવા પડશે. મંદિરમાં ૬૫ વર્ષથી વધુ વયના, ૧૦ વર્ષથી ઓછી વયના અને ગર્ભવતી મહિલાઓને પ્રવેશ નહીં મળે. મંદિરના પ્રવેશદ્વાર અને ગર્ભગૃહની નજીક એમ બે જગ્યાઓએ થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનીટાઇઝેશન કરવામાં આવશે. દર્શન પછી મંદિર પરિસરમાં રોકાવાની પરવાનગી કોઇને પણ નહીં મળે.

તો બીજી તરફ પવિત્ર રમઝાન મહિનામાં પણ ગયા વર્ષની જેમ આ વખતે પણ જૂની દિલ્હીની બજારોમાં રોનક ફીક્કી રહેવાના અણસાર છે. આ વખતે રમઝાન ૧૩ અથવા ૧૪ એપ્રિલથી શરૂ થશે પણ કોરોનાના વધી રહેલા કેસોના કારણે મંગળવારથી જ દિલ્હીમાં રાત્રી કર્ફયુ લાગુ થઇ ગયો છે.

રમઝાનમાં જૂની દિલ્હીમાં ખાસ પકવાન તૈયાર કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો તેનો ટેસ્ટ કરવા અને આખી રાત ખુલ્લી રહેતી બજારોમાં ખરીદી કરવા પણ આવતા હતા. આ વર્ષે નાઇટ કર્ફયુના કારણે આ બજારો બંધ રહેશે. આના લીધે સ્થાનિક લોકોની સાથે સાથે વેપારીઓ પણ ઉદાસ છે. રમઝાનમાં જૂની દિલ્હી ઉપરાંત નજીકના ખારી બાવલી, ચાંદની ચોક અને મુસ્લિમ બહુમતિવાળા બીજા વિસ્તારોમાં રોનક વધી જતી હોય છે. રોઝાના કારણે લોકો દિવસે ઘરની બહાર ઓછા નિકળે છે પણ સાંજ થતાં જ બજારોમાં રોનક વધી જતી હોય છે.

જૂની દિલ્હીની જામા મસ્જીદ, મટિયા મહલ, ચિતલી કબર, સુઇવાલા વગેરેની બજારો તો સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી ખુલી હોય છે. ગયા વર્ષે સંપૂર્ણ લોકડાઉન હતું તો આ વર્ષે નાઇટ કર્ફયુ છે. આ સ્થિતિમાં આવતા અઠવાડિયાથી શરૂ થનાર રમઝાન મહિનામાં રાત્રે દુકાનો બંધ રહેશે. વેપારીઓનું કહેવું છે કે, આ મહિનામાં મુસ્લિમ લોકો જોરદાર ખરીદી કરતા હોય છે પણ નાઇટ કર્ફયુના કારણે તેમનો ધંધો ઠપ થઇ જશે.

(11:34 am IST)