Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સંકટની ઘડીમાં પણ રાજકારણઃ કેન્દ્ર અને અમુક રાજ્યો વચ્ચે ફાટી નીકળી 'વેકસીન વોર'

મહારાષ્ટ્ર, આંધ્ર સહિતના રાજ્યોએ રસીની અછત હોવાની ફરીયાદ કરી તો કેન્દ્રએ વળતો પ્રહાર કર્યો : મહારાષ્ટ્રની ફરીયાદ છે કે વેકસીનનો સ્ટોક માત્ર બે-ત્રણ દિવસનોઃ કેન્દ્ર આરોપો ફગાવે છે

નવી દિલ્હી, તા. ૮ :. દેશમાં એક તરફ કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વેકસીનેશનને લઈને જંગ વેગવંતી બની છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ વેકસીનની અછતની વાત જણાવી છે તો કેન્દ્ર તરફથી કેટલાક રાજ્યોને રસીકરણની ધીમી સ્પીડને લઈને પત્ર લખ્યો છે. કેન્દ્રએ પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્રને પત્ર લખી રાષ્ટ્રીય સરેરાશથી પણ પાછળ ચાલતા હોવાનું જણાવ્યુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજ્યોને પત્રો લખ્યા છે જેમાં રસીકરણની ધીમી સ્પીડ અંગે સવાલો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્રને અત્યાર સુધી ૧૦૬૧૯૧૯૦ ડોઝ અપાયા છે પરંતુ હજુ ૯૦૫૩૫૨૩નો ઉપયોગ થયો છે. મહારાષ્ટ્રમાં ધીમી રફતાર હોવાનુ જણાવાયુ છે.

મહારાષ્ટ્રની જેમ દિલ્હીને લઈને પણ કહેવાયુ છે કે અત્યાર સુધી ૨૩૭૦૭૧૦ ડોઝ અપાયા છે. જેમાંથી ૧૮૭૦૬૬૨નો ઉપયોગ થયો છે. કેન્દ્રએ કહ્યુ છે કે રાજ્યોએ રફતાર વધારવી પડશે.

મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ એવી ફરીયાદ કરી છે કે અમારી પાસે વેકસીન નથી અથવા તો થોડો સ્ટોક બચ્યો છે.

મહારાષ્ટ્ર અને કેન્દ્ર વચ્ચે વેકસીન વોર ફાટી નીકળી છે. મહારાષ્ટ્રનું કહેવુ છે કે પૂણેમાં રસીની અછતને કારણે ૧૦૯ કેન્દ્રો બંધ કરાયા છે. સતારામાં પણ રસીકરણ અટકાવાયુ છે. જો કે કેન્દ્રએ કહ્યુ છે કે કયાંય રસીની અછત નથી.

(10:53 am IST)