Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

હેરી પોર્ટર સ્ટાર પોલ રિટરનું નિધન : ૫૪ વર્ષે બ્રેઈન ટ્યૂમરથી હારી ગયા જિંદગીનો જંગ

'હાફ બ્લડ પ્રિંસ' અને 'કવાંટમ ઓફ સોલેસ'માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો

નવી દિલ્હી,તા. ૮: 'હેરી પોટર'અને 'જેમ્સ બોન્ડ'ફિલ્મના સ્ટાર પોલ રિટરનું સોમવારે નિધન થયું છે. ૫૪ વર્ષના પોલ રિટર દ્યણા સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા. પોલ રિટરના નિધનથી હોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખાલીપો વર્તાઈ રહ્યો છે. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ તેમના ફેન્સ સોશ્યલ મીડિયા પર દુખ વ્યકત કરી રહ્યા છે.

પોલ રિટરના નિધન બાદ હવે તેમના પરિવારમાં તેમની પત્ની પોલી અને પુત્ર ફ્રૈંક તથા નોઆહ છે. 'હેરી પોટર'માં વિઝર્ડ એલ્ડરેડ વોર્પલેનું પાત્ર ભજવવા માટે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. પોલ રિટરના પ્રતિનિધિએ તેમના નિધન અંગે એક ચેનલ પર દુખ વ્યકત કર્યું હતું તથા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા.

પોલ રિટર એક પ્રતિભાશાળી અભિનેતાની સાથે એક બુદ્ઘિમાન, ઉદાર દિલ અને મજાકિયા વ્યકિત પણ હતા. તેમણે અનેક પ્રકારના પાત્ર ભજવ્યા છે તથા સિનેમાની સાથે સાથે થિયેટરમાં પણ કામ કરતા હતા. તેમણે ઓન સ્ક્રીન અને સ્ટેજ પર ઘણું સારુ કામ કર્યું છે, તે હંમેશા લોકોના દિલમાં જીવતા રહેશે.

પોલ રિટરને કોરમ બોય પ્લે માટે વર્ષ ૨૦૦૬માં ઓલિવર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. નૌરમેન કોન્કવેસ્ટ પ્લેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 'ધ ગેમ' ફિલ્મમાં પણ તેમણે ખૂબ સારો અભિનય કર્યો છે. આ સ્પાઈથ્રિલર ફિલ્મ વર્ષ ૨૦૧૪માં ટોબી વ્હિટહાઉસ દ્વારા લખવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં ફિલ્મ 'ચેર્નોબિલ'માં અનાતોલી ડાયટાલોવના રૂપે પોલ રિટરે ખૂબ સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.

પોલ રિટર તેમના દમદાર અભિનય દ્વારા લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. 'હાફ બ્લડ પ્રિંસ'અને 'કવાંટમ ઓફ સોલેસ'માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો, જે આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. 'ફ્રાઈડે નાઈટ ડિનર'ના ક્રિએટર રોબર્ટ પોપરે તેમના નિધન પર દુખ વ્યકત કરતા જણાવ્યું છે કે પોલ એક ખૂબ જ સારા અને અદભુત માણસ હતા.

(10:18 am IST)