Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

અનેક રાજ્યોમાં કોરોનાની રસીની અછત

કેટલાક રાજ્યોમાં રસીની અછતનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રએ સપ્લાય વધારવાની માંગ કરી છે : મહારાષ્ટ્રમાં રસીની અછત સર્જાઈ હોવાથી લોકોને રસી વગર પરત મોકલાઈ રહ્યાં : રસીની અછતના કારણે વારાણસીમાં ૬૬ સરકારી રસીકરણ કેન્દ્રોમાંથી ફકત ૨૫ પર રસીકરણ થયુ : આંદ્ય્ર પ્રદેશ પાસે માત્ર ૩.૭ લાખ ડોઝ બચ્યા છે

નવી દિલ્હી,તા. ૮ : રસીકરણના મામલામાં અમેરિકાને પાછળ છોડતા ભારત સૌથી સ્પીડમાં રસીકરણ કરનારો દેશ બની ગયો છે. બુધવારે સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૩૩ લાખ ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૮.૭ કરોડ ડોઝ રસી લગાવાઈ ચૂકી છે. પરંતુ બીજી તરફ કેટલાક રાજયોમાં રસીની અછતનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રએ સપ્લાય વધારવાની માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં રાજેશ ટોપેએ જણાવ્યું કે રાજયમાં કોરોનાની રસીની અછત સર્જાઈ હોવાથી લોકોને રસી વગર પરત મોકલાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે અમારી પાસે રસીનો પૂરતો સ્ટોક જ નથી એટલા માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. અમે કેન્દ્રને વધારે રસી મોકલાવવા માટે કહ્યુ છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યુ કે મંગળવારે અમારી પાસે ૧, ૭૬,૦૦૦નો સ્ટોક હતો. પરંતુ વધારે સ્ટોકની જરુર પડશે.  રાજયમાં કોવિડ-૧૯ રસીના સ્ટોક વિશે વધારે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે મહારાષ્ટ્માં ૧૪ લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે જે ૩ દિવસમાં પૂરા થઈ જશે. રાજય સરકારે કેન્દ્ર સરકારને વધારાના ૪૦ લાખ ડોઝ આપવાનું જણાવ્યું છે. કેન્દ્ર સરકાર અમને રસીના ડોઝ ઉપલબ્ધ કરાવી રહી છે પરંતુ તેની ડિલિવરી ઘણી ઓછી છે.

રસીની અછતના કારણે વારાણસીમાં ૬૬ સરકારી રસીકરણ કેન્દ્રોમાંથી બુધવારે ફકત ૨૫ પર રસીકરણ થયુ. જનપદીય રસીકરણ ભંડાર કેન્દ્ર પર પણ તાળુ લટકતુ દેખાયુ. રસીની અછત કયાં સુધીમાં ઉકેલાશે તે અંગે હજુ સ્વાસ્થ્ય વિભાગને પણ કંઈ ખબર નથી. શહેરના ચૌકાઘાટ સ્થિત જનપદ રસી ભંડાર કેન્દ્ર પર પણ તાળુ લટકી ગયુ તો ત્યાની પાસેને ચૌકાઘાટ રાજકીય આયુર્વેદ હોસ્પિટલ અને ઢેલવરિયા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર પણ રસીકરણનું કામ બંધ થઈ ગયુ.

આંધ્રપ્રદેશે કેન્દ્ર સરકારને પત્ર લખીને એક કરોડ ડોઝ રસીની માંગ કરી છે. રાજય સરકારનું કહેવું છે કે તેમની પાસે માત્ર ૩.૭ લાખ ડોઝ બચ્યા છે. જયારે રાજયમાં દરરોજ ૧.૩ લાખ ડોઝ લગાવવામાં આવી રહ્યા છે.  જલ્દી જ રાજયમાં રસીનો સ્ટોક ખતમ થઈ જશે. કેટલાક જિલ્લામાં રસીકરણ ખતમ થઈ ચૂકયું છે. રાજયના મુખ્ય સચિવ આદિત્યનાથ દાસે કેન્દ્રને પત્ર લખીને ૧ કરોડ ડોઝને તાત્કાલિક પુરા પાડવા માંગ કરી છે.

ઝારખંડમાં રસીકરણની અછત સર્જાઈ છે. રાજયએ રસીકરણને સ્પીડ આપવા માટે ૪થી ૧૪ એપ્રિલની વચ્ચે વિશેષ અભિયાન શરુ કરી દીધુ હતુ. પરંતુ રસીકરણની અછતના કારણે અભિયાન પર બ્રેક લગાવી છે. મંળવારે અનેક કેન્દ્રો પર રસીકરણ રોકી દેવામાં આવ્યું હતુ. રાજયમાં ૨ દિવસોમાં રસીકરણનો સ્ટોક ખતમ થઈ જશે. મનાઈ રહ્યું છે કે જો ૩ દિવસની અંદર રસીનો જથ્થો નહીં પહોંચ્યો તો ઝારખંડમાં રસીકરણ અભિયાનને અસર પહોંચશે.

રસીકરણના આ મામલો હવે રાજકારણનું રુપ લઈ રહ્યો છે. રાજયોની રસીની માંગ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બુધવારે નારાજગી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે રાજયો પોતાના સ્તર પર થયેલી નિષ્ફળતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે તેમણે સવાલ કર્યા છે કે શું તેમણે પ્રથમ ચરણના તમામ લાભાર્થીઓને રસી પહોંચાડી દીધી છે.

ત્યારે રાજયો ૧૮ વર્ષથી ઉપરના તમામને રસી આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર હર્ષવર્ધને કહ્યું કે રાજયની આ માંગ પર એવું માની લેવું જોઈએ કે રાજયોએ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થવકર્સમાં સારી સંખ્યામાં કામ કરી લીધું છે. તેમણે કહ્યું કે કેટલાક રાજનીતિક નેતાઓ અને રાજયો તરફથી કરવામાં આવી રહેલી આ પ્રકારની માંગ તેમના ખરાબ રસીકરણના પ્રયાસોને દર્શાવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં નેતાઓ રસીકરણની અછતને લઈને નિવેદન બિન જવાબદાર, લોકોમાં ભય વધારનારુ અને રાજય સરકારની નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

(10:17 am IST)