Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

૩૮ દિવસ પછી પીએમ મોદીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

રસીને કોરોના સામે લડવાનું હથિયાર ગણીને લોકોને આગળ આવવા માટે સૂચન કર્યું

નવી દિલ્હી,તા.૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે ૬ વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ ૩૮ દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રસી પણ મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ રસીને વાયરસને હરાવવાની રીતોમાંથી એક ગણાવી છે. આ સાથે તેમણે લોકોને રસી માટે આગળ આવવા માટે પણ કહ્યું છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, 'આજે એમ્સમાં કોવિડ-૧૯ વેકસીનનો મે બીજો ડોઝ લીધો છે. વેકસીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેકસીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.' વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ ૧ માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુકત પ્રયાસોથી વિકસિત કોવિડ વેકસીન કોવેકસનો ડોેઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યકિતએ જે બ્રાન્ડની વેકસીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેકસનો જ લીધો છે.

(10:52 am IST)