Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મુસ્લિમોને ને વોટની અપીલ કરવી મમતાને મોંઘી પડી : ચૂંટણી પંચે ફટકારી નોટીસ :48 કલાકમાં માંગ્યો જવાબ

ભાજપના પ્રતિનિધિમંડળે મમતાના નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી

કોલકતા :આચાર સંહિતા ભંગના મામલે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીને નોટિસ મોકલી છે. આ મામલો મમતા બેનર્જીના નિવેદનની સાથે સંબંધિત છે, જેમાં તેમણે હુગલીમાં મુસ્લિમ મતદારોને તેમના મત વિભાજીત ન કરવાની અપીલ કરી હતી. મમતા બેનર્જીએ મુસ્લિમ મતદારોને અપીલ કરતી વખતે કહ્યું કે તેમણે પોતાના મત વિવિધ પક્ષોમાં વહેંચવા ન દેવા જોઈએ.

ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે મમતા બેનર્જીએ ચૂંટણી આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમને નોટિસ મોકલવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી 48 કલાકમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળે મમતા બેનર્જીના નિવેદનની ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી અને તેમની વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મમતા બેનર્જીએ 3 એપ્રિલે હુગલીમાં મુસ્લિમ મતદારો વિશે નિવેદન આપ્યું હતું. મમતા બેનર્જી પણ નંદીગ્રામથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર છે. પ્રધાનમંત્રી  મોદીએ પણ બંગાળમાં ચૂંટણી સભા દરમિયાન મમતા બેનર્જીના નિવેદન પર ટિપ્પણી કરી હતી. ચૂંટણી પંચે મમતા બેનર્જીના નંદીગ્રામમાં મતદાનના દિવસે મતદારોને ધમકાવવાના આક્ષેપો ખોટા હોવાનું જણાયું હતું અને મુખ્યમંત્રી દ્વારા આવા ખોટા આક્ષેપો બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું

ચૂંટણી પંચે પોતાના પત્રમાં એમ પણ કહ્યું હતું કે પંચ આ મામલે તપાસ કરી રહ્યું છે કે શું આ આરોપો પર ચૂંટણી આચારસંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે કે નહીં. બીજી તરફ ચૂંટણી પંચ તરફથી મળેલી નોટિસ બાદ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કરીને ચૂંટણી પંચને પૂછ્યું કે, મમતા દીદીને બીજેપીની ફરિયાદ પર નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ ટીએમસીની એ ફરિયાદનું શું જેમાં બીજેપી ઉમેદવાર તરફથી કેશ વહેંચવાના પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

 

(11:50 pm IST)