Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જાણિતા પત્રકાર, લેખિકા આરફાતિમા જકારિયાનું ૮૫ વર્ષની વયે નિધન

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દાખલ હતા : મૌલાના આઝાદ કેમ્પસમાં તેમના સ્વર્ગીય પતિ ડૉ. રફીક જકારિયાની કબરની બાજુમાં ફાતિમાની અંતિમ વિધિ કરાઈ

નવી દિલ્હી, તા. ૭ : પ્રખ્યાત પત્રકાર, લેખિકા ફાતિમા આર જકારિયાનું ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ ઓરંગાબાદ, મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોરોના ગાઈડ લાઈન્સના પાલન સાથે બુધવારે સવારે મૌલાના આઝાદ કેમ્પસમાં તેમના સ્વર્ગીય પતિ ડૉ. રફીક જકારિયાની કબરની બાજુમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ઈસ્લામિક વિદ્વાન સ્વર્ગીય ડૉ. રફીક જકારિયાના પત્ની ફાતિમા જકારિયા વર્તમાનમાં પ્રસિદ્ધ એવી એક પત્રિકાના સંપાદક હતા. છેલ્લા થોડા વર્ષોથી તેઓ ઓરંગાબાદમાં રહીને પ્રતિષ્ઠિત 'મૌલાના આઝાદ એજ્યુકેશન ટ્રસ્ટ' (એમએઈટી)નું કામ સંભાળી રહ્યા હતા.  પ્રમુખ કોંગ્રેસી નેતા સ્વર્ગીય ડૉ. રફીક જકારિયાએ ૧૯૬૩માં એમએઈટીની સ્થાપના કરી હતી. ફાતિમા જકારિયાએ પોતાના દિવંગત પતિના વારસાને આગળ વધાર્યો હતો અને આ શૈક્ષણિક સંસ્થાને બદલી નાખી હતી. તેમણે વિદેશી શિક્ષણ સંસ્થાઓ સાથે કોલાબ્રેટ કરીને તેને ભણવા માટેનું સર્વોત્તમ કેન્દ્ર બનાવ્યું હતું. ૧૯૮૩માં પત્રકારત્વમાં એકતા માટે ફાતિમા જકારિયાને સરોજિની નાયડુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામ બદલ ભારત સરકારે ૨૦૦૬માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

(12:00 am IST)