Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સરકારની પ્રથમ પ્રાથમિકતા દરેકનો જીવ બચાવવાની છે

કઠોર નિર્ણય લેવા સરકાર મજબૂર છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : દેસમાં હાલમાં સોશિયલ ઇમરજન્સી જેવી સ્થિતિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી, તા. ૮ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે સર્વપક્ષીય બેઠખ યોજી હતી. આ ગાળા દરમિયાન તેમણે કહ્યું હતું કે, સરકારની પ્રથમ પ્રાથમિકતા દરેક વ્યક્તિની જાન બચાવવાની રહેલી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશની વર્તમાન સ્થિતિ સોશિયલ ઇમરજન્સી સમાન છે. દેશ હાલમાં કઠોર નિર્ણય લેવા માટે મજબૂર છે. આ સંકેત આપે છે કે, લોકડાઉન ૧૪મી એપ્રિલ બાદ પણ જારી રહેશે. દેશની સ્થિતિ સામાજિક ઇમરજન્સી સમાન બનેલી છે.

            હાલમાં આવા કઠોર નિર્ણયોને જારી રાખવા પડશે. કેટલીક રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને નિષ્ણાતો લોકડાઉનને વધારવાની માંગ કરી ચુક્યા છે. વડાપ્રધાને કબૂલાત કરતા કહ્યું હતું કે, ભારત એવા થોડાક દેશોમાં સામેલ છે જે દેશોએ હજુ સુધી વાયરસને ફેલાતા રોકવામાં સફળતા મેળવી છે. સાથે સાથે ચેતવણી પણ આપી હતી કે, સ્થિતિ સતત બદલાઈ રહી છે જેથી દરેક વખતે સાવધાની રાખવાની જરૂર છે. બદલાયેલી પરીસ્થિતિમાં દેશને તે મુજબ જ વર્ક કલ્ચર અને વર્કિંગ સ્ટાઇલમાં ફેરફાર લાવવાની જરૂર દેખાઈ રહી છે.

(8:07 pm IST)