Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, ૧૫ એપ્રિલ સુધી ખાતામાં આવશે પ્રથમ હપ્તાની રકમ

નવી દિલ્હી, તા.૮: કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનું લોકાડાઉન લાગુ કર્યુ છે. લોકો દ્યરોમાં કેદ છે. કોરોનાની મહામારી દરમિયાન ગરીબ વર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો છે, ત્યારે મોદી સરકારે મનરેગાના મજૂરોના ખાતામાં સીધા નાણા નાખવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત મજૂરોની બાકી મજૂરીની ચુકવણી માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજયોને ૬ હજાર ૮૩૪ કરોડની ફાળવી છે.

૧૫ એપ્રિલ સુધીમાં તમામ રાજયોમાં પહેલો હપ્તો ઈશ્યૂ થઈ જશે

આ જાણકારી ખુદ ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આપી છે. મંત્રાલયના સૂત્રો મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માટે તમામ રાજયોનો પહેલો હપ્તો ૧૫ એપ્રિલ,૨૦૨૦થી ઇશ્યૂ કરી દેવાશે. જો કે તમામ રાજયોમાં મનરેગાની મજૂરી એક સમાન નથી.

દરેક રાજયોમાં છે અલગ અલગ મજૂરીની રકમ

ઝારખંડ, બિહારમાં મનરેગાના શ્રમિકોને પ્રતિદિવસ માત્ર ૧૭૧ રૂપિયા મજૂરી મળે છે. જયારે કે હરિયાણામાં સૌથી વધુ ૨૮૪ રૂપિયા પ્રતિદિવસ મજૂરી મળે છે. સામાન્ય રીતે આ શ્રમિકોને વર્ષમાં માત્ર ૧૦૦ દિવસ જ કામ મળે છે. કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે મનરેગાના શ્રમિકોની મજૂરીમાં પ્રતિદિવસ રૂપિયા ૨૦નો વધારો કર્યો છે.

(4:31 pm IST)