Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાને કારણે ભારતનાં ૪૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે

કોરોનાના ભરડામાં સૌથી ચિંતાજનક અહેવાલ

નવી દિલ્હી, તા.૮: કોરોના મહામારીના કારણે ભારતનાં ૪૦ કરોડ નાગરિકો ગરીબી રેખા હેઠળ ધકેલાઈ જશે. સંયુકત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં કહ્યું કે કોરોના વાયરસના કારણે વૈશ્વિક સ્તર પર ૧૯.૫ કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી બેસશે. જયારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસની સ્થિતિને દ્વિતીય વિશ્વયુદ્ઘ કરતા પણ મોટું સંકટ જણાવ્યું છે.

 લેબર ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ગાઈ રાઈડરે કહ્યું કે આંકડાંઓ ખૂબ ભયાનક છે. દુનિયાભરના મજુરો લોકડાઉનના કારણે ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દુનિયાના દ્યણા દેશોમાં શ્રમિકોએ કોરોનાની તબાહીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે એ દુનિયાનાં ૨ અબજથી વધુ લોકો અનૌપચારિક ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. કોરોના સંકટમાં સૌથી મોટું નુકસાન આ જ ક્ષેત્રને થઇ રહ્યું છે.

લેબર ઓર્ગેનાઈઝેશને કહ્યું કે લોકડાઉનના કારણે ભારત, નાઈઝર અને બ્રાઝિલમાં સૌથી મોટું નુકસાન થઇ રહ્યું છે. અહેવાલમાં સૌથી ચિંતાજનક વાત એ સામે આવી છેકે ભારતના ૪૦ કરોડ શ્રમિકો લોકડાઉનના કારણે ગરીબી રેખા હેઠળ ધકેલાઈ જશે. લોકડાઉનના કારણે મજુરો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને ગામડાઓ તરફ હિજરત કરી રહ્યા છે. નોંધનીય છે કે ભારતનાં અર્થતંત્રમાં ૯૦ ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો જ છે.

રાઈડરે કહ્યું કે છેલ્લાં ૭૫ વર્ષમાં આંતરરાષ્ટ્રિય સહયોગની આ સૌથી મોટી પરીક્ષા છે. જો કોઈ દેશ પણ વિફળ થશે તો આપણે બધા તેમાં વિફળ થઇ જઈશું. તેથી એવા સમાધાન તરફ આગળ વધવું જોઈએ જે વૈશ્વિક સમાજમાં સૌની મદદ કરી શકે. હાલના અહેવાલ મુજબ અરબ દેશોમાં રોજગારમાં સૌથી વધુ કાપ થશે, પછી યુરોપ અને એશિયામાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થશે.

(4:29 pm IST)