Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉન ખૂલ્યા પછી ચેપવાળા જિલ્લામાં ટ્રેન નહીં રોકાય, વૃદ્ધો પ્રવાસ નહીં કરી શકે

નવી દિલ્હી તા. ૮: ર૧ દિવસના લોકડાઉનને બે અઠવાડિયાં પૂરાં થઇ ચૂકયાં છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ લોકડાઉન ખતમ કરવાની રીત પર મંથન શરૂ પણ કરી ચૂકયા છે. આવા જ એક પ્રસ્તાવમાં રાજયોને ચાર ભાગમાં વહેંચી લોકડાઉન પૂરૃં કરવાનું સૂચન કરાયું છે. તેમાં કહેવાયું છે કે જે પણ હોટ-સ્પોટ જિલ્લા હશે એ વિસ્તારોમાં ટ્રેન નહીં રોકાય. એટલું જ નહીં ૬પ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યકિત ટ્રેનમાં પ્રવાસ નહીં કરી શકે, ભલે પછી ત઼ે ચેપમુકત વિસ્તારની કેમ ન હોય. ટ્રેનમાં રિઝર્વેશન વિનાની ટિકિટો પણ નહીં વેચાય. જયારે ફેકટરીઓ વગેરેમાં સ્થાનિક શ્રમિકોને જ કામ કરવાની છૂટ મળશે. વડા પ્રધાન મોદીએ તમામ પ્રધાનોને કોરોના વાયરસની આર્થિક અસર ઘટાડવા માટે યુદ્ધસ્તરે યોજનાઓ ઘડવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ સંકટ મેઇક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તક લાવ્યો છે. ર૧ દિવસનું લોકડાઉન પૂરૃં થયા પછી દરેક મંત્રાલય ૧૦ મહત્વપૂર્ણ નિર્ણય અને પ્રાથમિકતાનાં ૧૦ ક્ષેત્ર નકકી કરે. તમામ મંત્રાલયોને બિઝનેસમાં નિરંતરતાની યોજનાઓ પણ તૈયાર કરવા નિર્દેશ અપાયો છે. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સોમવારે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરતા હતા.

(11:41 am IST)