Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાને રોકવાના પ્રબંધો અપૂરતાઃ ૪ દિવસમાં મોતના આંકડા થયા ડબલ

નવી દિલ્હી તા. ૮ :.. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૭૮૯ થઇ ચૂકી છે. જયારે મૃતકોનો આંકડો ૧ર૯ સુધી પહોંચી ગયો છે. જો કે અત્યાર સુધીમાં ૩રપ દર્દીઓ કોરોના સામે જંગ જીતીને ઘરે પાછા ફર્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે ૧૦૦૦ થી પણ વધુ લોકોને સંક્રમણ થયું છે અને ૬૪ લોકોના મોત થયા છે. દેશમાં ગઇકાલે છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના પ૦૮ નવા કેસો જાહેર થયા છે અને ૧૩ લોકોના મોત થયા છે.

દેશમાં ૩ એપ્રિલે કોરોનાના રપ૪૭ દર્દીઓ હતા અને ૬ર લોકોના મોત થયા હતાં. જયારે ૭ એપ્રિલે ૪ર૮૧ કોરોના પોઝીટીવ દર્દી અને ૧ર૪ લોકોના મોત થયા હતાં. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા બમણી થઇ છે. ગુજરાતના જામનગરમાં ૧૪ મહીનાનો બાળક કોરોનાનો શિકાર થયો હતો. રવિવારે જ તેના કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થયો હતી અને મંગળવારે તેનું મોત થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત આ મહામારીના કારણે થઇ ચૂકયા છે.

મંગળવારે માહિતી મળી હતી કે ઉત્તર પ્રદેશના નોઇડામાં સેકટર-૮ ની ઝૂંપડપટ્ટીમાં ર૦૦ લોકો શંકાસ્પદ હોઇ શકે છે. માહિતી મળતા જ આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. જો કે નોઇડાના કલેકટર સુહાસ લાલિના કેરે યતિરાજે કહયું છે કે નોઇડાના સેકટર-૮ માં કોરોનાનો કોઇ કેસ નથી. લોકોને સાવચેતીના પગલા રૂપે કવોરન્ટાઇન કરવામાં આવશે. નોઇડામાં એક શખ્સ ઝારખંડથી આવ્યો હતો અને ત્યાં લોકોને મળ્યો હતો. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમને શંકા છે કે આના કારણે ર૦૦ લોકો કોરોના સંદિગ્ધ હોઇ શકે છે. એટલે આરોગ્ય વિભાગની ટીમે સાવચેતી દાખવીને લગભગ ર૦૦ લોકોને એમ્બ્યુલંસ દ્વારા કવોરન્ટાઇન સેન્ટર લઇ જઇ રહીછે જયાં તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.

(11:40 am IST)