Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઘરની બહાર નીકળવાની છુટ મળશે તો પણ અમુક શરતોનું પાલન કરવું પડશે

૧૪મી પછી લોકડાઉન હશે કે નહિ એ હજુ સ્પષ્ટ નથી

નવી દિલ્હી, તા.૮: જે રીતે લોકો કોરોના વાયરસને લઈને લાગુ કરાયેલા લોકડાઉન પહેલા મુકત થઈને ફરતા હતા, તે રીતે શું ૧૪ એપ્રિલ બાદ પણ ફરી શકશે?. હાલ દરેક વ્યકિતનમાં મનમાં આ સવાલ થઈ રહ્યો છે. ૨૧ દિવસનું લોકડાઉન ખતમ થવાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્ર અને રાજય સરકારો પણ આગળના પ્લાનિંગની તૈયારીમાં લાગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૪ તારીખે લોકડાઉન ખુલશે તો કેટલીક શરતો સાથે. તેનો મતલબ એ છે કે તમને બહાર જવાની મંજૂરી તો મળશે પરંતુ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

કોવિડ ૧૯ને લઈને બનેલા મંગળવારે બેઠક યોજાઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળા આ મંત્રી જૂથે ઓડ-ઈવન લાગુ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં લોકોના સંખ્યા નક્કી કરવા જેવા સૂચનો આપ્યા હતા. GoMએ તેવી પણ ભલામણ કરી હતી કે મોલ તેમજ સ્કૂલ ૧૫ મે સુધી બંધ રાખવામાં આવે.

તેનો મતલબ એ છે કે, જો કેટલાક વિસ્તારોમાં લોકોને બહાર નીકળવાની મંજૂરી અપાશે, તો તે નિયમોનું પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, વાહનો માટે ઓડ-ઈવન સિસ્ટમને મંજૂરી આપી શકાય છે. આ ફોર્મ્યુલા દિલ્હીમાં પ્રદૂષણ વધી જતાં લાગુ કરવામાં આવી હતી. આ સાથે કારમાં સવાર લોકોની લિમિટ પણ નક્કી કરાશે તેવી શકયતા છે.

૧૪ એપ્રિલ બાદ એક રાજયમાંથી બીજા રાજયમાં જવાની મંજૂરી મળવાની શકયતા ખૂબ ઓછી છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, રાજયની બોર્ડરો ખોલવાનો હાલ સવાલ જ ઊભો થતો નથી. આ સિવાય ટ્રેન, મેટ્રો અને ફ્લાઈટમાં પણ મુસાફરી માટેની મંજૂરી મળે તેની શકયતા નહીવત્ છે. જો કે, સરકાર મેડિકલ, હોસ્પિટલો તેમજ કરિયાણાની દુકાનોની સાથે-સાથે અન્ય કેટલીક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી શકે છે. પરંતુ, કોરોનાના હોટસ્પોટ અને મોટા શહેરો માટે અલગ-અલગ નિયમ બનાવવામાં આવશે.

હાલ, કેન્દ્ર સરકાર ૨૧ દિવસના લોકડાઉનને આગળ વધારવા અંગે પણ વિચારણા કરી રહી છે. વાત એમ છે કે, રાજય સરકારો અને નિષ્ણાતોએ આવી ભલામણ કરી છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને મધ્ય પ્રદેશની સરકારોએ પણ લોકડાઉન આગળ વધારવાની વાતને સમર્થન આપ્યું છે. જો કે, તે અંગેનો નિર્ણય ૧૪ એપ્રિલના થોડા દિવસ પહેલાની સ્થિતિને લઈને કરવામાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, સરકારનું માનવું છે કે, દેશના અર્થતંત્ર પર લોકડાઉનની ગંભીર અસર પડી રહી છે, પરંતુ તેઓ પહેલા આ ખતરામાંથી બહાર આવવા માગે છે.

(11:38 am IST)