Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વૈજ્ઞાનિકોનો સૌથી મોટો દાવો

'હવે માસ્કને અડકવું પણ જોખમઃ એક અઠવાડિયા સુધી તેના પર જીવે છે વાયરસ'

નવી દિલ્હી, તા.૮:કોરોના વાઇરસ મુદ્દે ચીનની યુનિવર્સિટી ઓફ હોંગકોંગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેઓ લાંબા અભ્યાસ બાદ એ તારણ પર આવ્યા છે કે માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો માસ્કથી પણ કોરોના વાઇરસનો ચેપ ફેલાઈ શકે છે. આ ઉપરાંત કોરોના વાઇરસના જીવાણુઓ ચહેરાના માસ્ક પર એક સપ્તાહ સુધી જીવંત રહી શકે છે. આ વૈજ્ઞાનિકોએ એવું પણ સંશોધન કર્યું છે કે કોરોના વાઇરસ કાગળ, પ્લાસ્ટિક, સ્ટીલ, લાકડા પર લાંબા સમય સુધી જીવિત રહે છે.

હોંગકોંગ વિવર સિટીના સંશોધકોનું એ પણ માનવું છે કે ઘરમાં જીવાણુનાશક કે બ્લીચનો ઉપયોગ કરવાથી વાઇરસનો નાશ થઈ શકે છે. આ ઉપરાંત સાબુથી વારંવાર હાથ ધોવાથી પણ કોરોના વાઇરસના જંતુઓનો નાશ થાય છે. વૈજ્ઞાનિકોનું તારણ છે કે કોરોના વાઇરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર ચાર દિવસ સુધી જીવંત રહે છે અને માસ્કના બાહ્ય પડ પર એક સપ્તાહ સુધી વાઇરસ ચોંટેલો રહે છે.

લેન્સેટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ કોરોના અને સાર્સ-સીઓવી-૨ વાઈરસ ઉપર અભ્યાસ થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે ટીસ્યુ પેપર પર આ વાઇરસ ત્રણ કલાક સુધી જીવંત રહે છે. આ ઉપરાંત ટ્રીટમેન્ટ કરાયેલા લાકડાં અને કાપડ પર પણ વાઇરસ બીજા દિવસ સુધી જોવા મળ્યો હતો.

સંશોધકોના મતે માસ્કના બહારના પડને અડકવું નહીં. જો અડકશો અને પછી તમારી આંખને સ્પર્શ કરશો તો વાઇરસ ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. વાઇરસથી સંક્રમિત થતા બચવું હોય તો તેનો એકમાત્ર ઉપાય વારંવાર હાથ ધોવા એ જ છે. હાથ ધોયા વગર મોઢાને અડકવું નહીં અને આહાર પણ લેવો નહીં.

(10:19 am IST)