Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાના એંધાણ

ક્રુડ આસમાનેઃ ૧ બેરલના ૭૦ ડોલર

નવીદિલ્હી, તા.૮: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ આગામી દિવસોમાં કોઇ રાહત મળવાના અણસાર ખૂબ ઓછા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ૫ મહિનાના ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. બ્રેંટ ક્રૂડનો ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર જતો રહ્યો છે, જે નવેમ્બર બાદ ઉચ્ચતમ સ્તર છે.

બ્રેંટ ક્રૂડના ભાવમાં આ વર્ષે અત્યાર સુધી ૩૪ ટકાનો વધારો થયો છે. ગત બે અઠવાડિયામાં બ્રેંટ ક્રૂડના ભાવમાં ૩.૬૫ ટકાનો વધારો નોંધાયો છે, જેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જોકે ભારત પોતાની ઓઇલની ખપતની ૮૦ ટકા જરૂરિયાતોની પૂર્તિ આયાત દ્વારા કરે છે, એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચઢાવ-ઉતારના અનુસાર નક્કી થાય છે.

ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં આંતરાષ્ટ્રીય વાયદા બજાર ઇંટરકોંટિનેંટલ એકસચેંજ (આઇસીઇ) પર બ્રેંટ ક્રૂડના જૂન ડિલીવરી કરાર ભાવ એક દિવસ પહેલાંના મુકાબલે એટલે કે એક ડોલર એટલે ૧.૪૬ ટકા તેજી સાથે ૭૦.૪૧ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો, જયારે બિઝનેસ દરમિયાન ૭૦.૪૮ ડોલર પ્રતિ બેરલના ઉંચા સ્તર પર રહ્યો. આ પહેલાં ૧૨ નવેમ્બર, ૨૦૧૮ના બ્રેંટ ક્રૂડનો ભાવ ૭૧.૮૮ ડોલર સુધી ઉછાળા બાદ ૭૦.૧૨ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. જોકે ૨૬ ડિસેમ્બર, ૨૦૧૮ના બ્રેંટ ક્રૂડનો ભાવ ઘટીને ૪૯.૯૩ ડોલર પ્રતિ બેરલ સુધી જતો રહ્યો હતો.

અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેકસાસ ઇંટરમીડિએટ (ડબ્લ્યૂટીઆઇ)ની મે ડિલીવરી કરાર ગત શુક્રવારે ગત સત્રના મુકાબલે ૧.૧૭ ડોલર એટલે કે ૧.૮૮ ટકા તેજી સાથે ૬૩.૨૭ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. જોકે નવેમ્બર બાદનો સૌથી ઉંચો સ્તર છે. માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં છ પૈસા અને ડીઝલના ભાવમાં ૮ થી ૯ પૈસા પ્રતિ લીટરે ઘટાડો કર્યો હતો. તેના એક દિવસ પહેલાં શવિવારે ડીઝલના ભાવમાં પાંચ થી છ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. જયારે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા.

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશઃ ૭૨.૮૫ રૂપિયા, ૭૮.૪૨ રૂપિયા અને ૭૫.૬૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશઃ ૬૬.૧૧ રૂપિયા, ૬૭.૮૫ રૂપિયા, ૬૯.૧૯ રૂપિયા અને ૬૯.૮૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં ડીઝલના ભાવમાં આઠ પૈસા, જયારે ચેન્નઇમાં નવ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

(3:54 pm IST)